સત્ય. સાહસ. સંકલ્પ.

હોર્મુઝમાં ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર લિમ્પેટ માઇન હુમલો, એન્જિન રૂમમાં આગ

હોર્મુઝમાં ભારતીય ક્રૂવાળા ઓઇલ ટેન્કર પર લિમ્પેટ માઇન હુમલો, એન્જિન રૂમમાં આગ

ઓમાનના ખાસાબ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર હોર્મુઝ જળચર વિસ્તારમાં શુક્રવારે એક ઓઇલ ટેન્કર પર લિમ્પેટ માઇન્સથી હુમલો થયો છે. આ ટેન્કર પર 27 ભારતીય નાવિકો સવાર હતા. જહાજનું નામ એમટી લુઇસ 1 છે અને તે પનામાનો ધ્વજ ધરાવે છે.

હુમલામાં જહાજના એન્જિન રૂમમાં આગ લાગી હતી, પરંતુ ક્રૂએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જહાજ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું, પરંતુ પછી તેને ફરી ચાલુ કરી શકાયું હતું.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.

બ્રિટિશ મેરિટાઇમ એજન્સી UKMTO અનુસાર, આ હુમલો ઓમાનના ખાસાબ શહેરથી આશરે 46 કિલોમીટર દૂર થયો હતો. રોયટર્સના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ હોર્મુઝમાં પહેલીવાર લિમ્પેટ માઇન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)ના જણાવ્યા અનુસાર, 28 ફેબ્રુઆરીથી 27 ઓક્ટોબર સુધીમાં હોર્મુઝ અને તેની આસપાસના વિસ્તારમાં 120 દરિયાઈ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વેપારી જહાજો પરના હુમલાઓનો સમાવેશ થાય છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલ 3 નવેમ્બરે યોજાનારી અમેરિકી મધ્યસત્ર ચૂંટણી પછી ઈરાન પર ફરી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલ છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા અનુસાર, બંને દેશો નાની પરંતુ ઝડપી સૈન્ય કાર્યવાહી પર વિચાર કરી રહ્યા છે, જેમાં ઈરાનના ઊર્જા મથકો, પરમાણુ કેન્દ્રો અને મિસાઇલો તથા ડ્રોનના ભંડારોને નિશાન બનાવવામાં આવી શકે છે. જોકે, ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય પણ લઈ શકે છે.

બીજી તરફ, અમેરિકા-ઈરાન વચ્ચે વાતચીતના પ્રયાસો પણ ચાલુ છે. ઈરાને ગુરુવારે જણાવ્યું હતું કે, તેને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પત્ર મળ્યો છે, પરંતુ તેણે હજુ સુધી જવાબ આપ્યો નથી. ધ વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ પત્રનો હેતુ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવાનો હતો. ઈરાને અમેરિકા સમક્ષ મૂકેલી પોતાની 7 શરતો પૂરી કરવાની માગ ફરી દોહરાવી છે. જ્યારે ટ્રમ્પે જણાવ્યું કે વેન્સે ઈરાનનો સંપર્ક શાંતિ મંત્રણા માટે નહીં, પરંતુ તબીબી સામગ્રી પહોંચાડવાના મામલે કર્યો હતો. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાને બીમાર લોકો માટે તબીબી સામગ્રી અને અન્ય જરૂરી વસ્તુઓની મદદ માગી હતી, અને વેન્સે તેમની સલાહ લીધા બાદ મદદની મંજૂરી આપી હતી.