હૉર્મુઝ સ્ટ્રેટમાં એક મોટી ઘટના બની છે, જ્યાં 2,500 કન્ટેનર લઈને જઈ રહેલું માલવાહક જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાયું અને ડૂબી ગયું. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ની નૌકાદળે બુધવારે સવારે 6:30 વાગ્યે આ માહિતી આપી.
ઈરાનના જણાવ્યા અનુસાર, જહાજ દરિયાઈ માઈન સાથે ટકરાતાં તેમાં ભીષણ આગ લાગી ગઈ. વિસ્ફોટથી જહાજના તળિયામાં મોટું છિદ્ર પડ્યું અને પાણી ભરાતાં થોડી જ મિનિટોમાં આખું જહાજ દરિયામાં ગરકાવ થઈ ગયું. જહાજ પરના તમામ 2,500 કન્ટેનર સમુદ્રમાં વિખેરાઈ ગયા.
ઈરાનના સરકારી ટેલિવિઝને રિવોલ્યુશનરી ગાર્ડ્સના નિવેદનને ટાંકીને કહ્યું કે જહાજ મધ્ય પૂર્વથી એશિયા તરફ માલસામાન લઈ જઈ રહ્યું હતું. ઈરાને દાવો કર્યો કે જહાજ અનધિકૃત અને જોખમી માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જહાજમાંથી ધુમાડાના ગોટા નીકળતા અને ધીમે ધીમે જહાજ ડૂબતું જોઈ શકાય છે.
જોકે, આ ઘટના અંગે ઘણા મહત્વના સવાલોના જવાબ હજુ મળ્યા નથી. જહાજ કયા દેશનું હતું, તેમાં કેટલા લોકો સવાર હતા અને ક્રૂ મેમ્બર્સની સ્થિતિ શું છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
હૉર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતો આ સાંકડો માર્ગ તેલ અને ગેસની આંતરરાષ્ટ્રીય સપ્લાય માટે મહત્વનો છે. અહીં સૈન્ય તણાવ વધવાથી વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના પુરવઠા પર મોટી અસર પડી શકે છે. ઈરાન વારંવાર ચેતવણી આપે છે કે તેની મંજૂરી વિના આ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરનારા જહાજો માટે જોખમ ઊભું થઈ શકે છે.