પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં સતત બીજા દિવસે બે તેલ ટેન્કરો પર મિસાઈલ હુમલા થયા છે. આ બંને જહાજો પર કુલ 29 ભારતીય નાવિકો સવાર હતા. રાહતની વાત એ છે કે તમામ ભારતીય નાવિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ નથી.
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ઘટના અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબરે પનામાનો ધ્વજ ધરાવતા કાચા તેલના ટેન્કર એમટી લુઈસ-1 પર મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર 27 ભારતીય નાવિકો હાજર હતા. જોકે, આ ભીષણ હુમલા છતાં જહાજનો સમગ્ર ક્રૂ સુરક્ષિત રહ્યો છે અને જહાજને પણ કોઈ નુકસાન થયું નથી.
સર્બાનંદ સોનોવાલે વધુમાં જણાવ્યું કે આ ઘટનાના એક દિવસ પહેલાં એટલે કે 29 ઓક્ટોબરના રોજ લાઈબેરિયાનો ધ્વજ ધરાવતા વિશાળ કાચા તેલના ટેન્કર એમટી અરઝાનાહ પર પણ હોર્મુઝની ખાડીમાં મિસાઈલ છોડવામાં આવી હતી. આ જહાજ પર 2 ભારતીય નાગરિકો સવાર હતા. આ બંને હુમલાઓમાં કુલ 29 ભારતીય નાવિકો બચી ગયા છે અને તમામને સલામત રાખવામાં સફળતા મળી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત સરકાર સમગ્ર ઘટનાક્રમ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત બાજ નજર રાખી રહી છે. બંને જહાજોની સંચાલક કંપનીઓ સાથે ભારતીય વહીવટી તંત્ર સીધા સંપર્કમાં છે, જેથી ભારતીય નાવિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરી શકાય. સરકારે આશ્વાસન આપ્યું છે કે ભારતીય નાગરિકોની સલામતી માટે કંપનીઓ સાથે સતત સંકલન જાળવી રાખવામાં આવી રહ્યું છે.