સત્ય. સાહસ. સંકલ્પ.

હોંગકોંગ સિક્સિસમાં પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું, અફ્રિદીના ઝડપી રન બન્યા નિર્ણાયક

હોંગકોંગ સિક્સિસમાં પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું, અફ્રિદીના ઝડપી રન બન્યા નિર્ણાયક

હોંગકોંગ ઇન્ટરનેશનલ સિક્સિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે પાકિસ્તાને ભારતને 4 વિકેટે હરાવ્યું. ગ્રુપ-Cના આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 6 ઓવરમાં 5 વિકેટે 88 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 3.5 ઓવરમાં 2 વિકેટે 91 રન બનાવીને 13 બોલ બાકી રહેતાં જીત મેળવી લીધી. પાકિસ્તાનને જીત માટે 89 રનનો ટાર્ગેટ હતો.

પાકિસ્તાન તરફથી અબ્બાસ અફ્રિદીએ 8 બોલમાં 35 રન ફટકાર્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. ખ્વાજા નફેએ 12 બોલમાં 41 રનની ઇનિંગ્સ રમી. આ બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે 2.1 ઓવરમાં 59 રનની ભાગીદારી કરીને ભારતીય બોલરો પર દબાણ ઊભું કર્યું. અબ્બાસ શશાંક સિંહના બોલ પર આઉટ થયો, જ્યારે નફે રાહુલ તેવટિયાનો શિકાર બન્યો. બંનેની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા હતા. અંતે અબ્દુલ સમદે 3 બોલમાં અણનમ 7 રન અને ઇરફાન ખાને એક બોલમાં અણનમ 6 રન બનાવીને પાકિસ્તાનને જીત અપાવી.

ભારતની શરૂઆત સારી રહી નહોતી. રાહુલ ત્રિપાઠી 5 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો. નીતિશ રાણાએ 14 બોલમાં 19 રન બનાવ્યા અને રિટાયર્ડ આઉટ થયો. શશાંક સિંહે 11 બોલમાં 40 રનની આક્રમક ઇનિંગ્સ રમી, જેમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા હતા. તેણે નીતિશ રાણા સાથે બીજા વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી. જોકે શશાંક આઉટ થયા બાદ ભારતીય ઇનિંગ્સ લથડી. રાહુલ તેવટિયા અને કેપ્ટન કૃણાલ પંડ્યા ખાતું પણ ખોલી શક્યા નહીં; અબ્દુલ સમદે બંનેને સતત બોલ પર આઉટ કર્યા. ટી. નટરાજને 6 બોલમાં અણનમ 12 રન બનાવ્યા.

બોલિંગમાં ભારત તરફથી રાહુલ તેવટિયા અને શશાંક સિંહને એક-એક વિકેટ મળી, પરંતુ રન રોકવામાં ટીમ નિષ્ફળ રહી. કૃણાલ પંડ્યાએ એક ઓવરમાં 31 રન આપ્યા અને ટી. નટરાજને એક ઓવરમાં 28 રન ખર્ચ્યા. શશાંક સિંહે 14 રન આપીને એક વિકેટ લીધી.

હોંગકોંગ સિક્સિસની આ 22મી સીઝન છે, જે 30 ઑક્ટોબરથી 1 નવેમ્બર સુધી હોંગકોંગના મોંગ કોક ખાતે મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ત્રણ દિવસ ચાલતી આ ટુર્નામેન્ટમાં 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે.