હોંગકોંગ સિક્સેસ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટૂર્નામેન્ટ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી હોંગકોંગના ટિન ક્વાંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે.
આ વખતે કુલ 12 ટીમો ભાગ લેશે. ભારતને ગ્રુપ-Cમાં પાકિસ્તાન અને UAE સાથે રાખવામાં આવ્યું છે.
ભુવનેશ્વર અને કૃણાલ ઉપરાંત નીતિશ રાણા, શશાંક સિંહ, ટી. નટરાજન, રાહુલ તેવતિયા અને રાહુલ ત્રિપાઠીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. આ તમામ ખેલાડીઓ હોંગકોંગ સિક્સેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લી મેચ નવેમ્બર 2022માં ન્યૂઝીલેન્ડ સામે T-20 ઇન્ટરનેશનલ રમી હતી. ત્યારથી તેઓ નેશનલ ટીમની બહાર છે. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા ભુવનેશ્વર બીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યા હતા. તેમ છતાં તેમને ભારતની વ્હાઇટ-બોલ ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
ભારત અને પાકિસ્તાન ઉપરાંત UAE ગ્રુપ-Cમાં છે. બંને ટીમો વચ્ચેની મેચ પર ચાહકોની નજર રહેશે. ટૂર્નામેન્ટનું વિગતવાર શેડ્યૂલ અને મેચોના સમય બાદમાં જાહેર કરવામાં આવશે.