સત્ય. સાહસ. સંકલ્પ.

હની સિંહને સાયબર સેલનું ચોથું સમન્સ, હાજર ન થાય તો લુક આઉટ સર્ક્યુલરની ચેતવણી

હની સિંહને સાયબર સેલનું ચોથું સમન્સ, હાજર ન થાય તો લુક આઉટ સર્ક્યુલરની ચેતવણી

મહારાષ્ટ્ર સાયબર સેલે રેપર અને ગાયક હની સિંહને દિલ્હી કોન્સર્ટમાં કથિત અશ્લીલ ટિપ્પણીના મામલે પૂછપરછ માટે ચોથું સમન્સ મોકલ્યું છે. તેમને 16 ઑક્ટોબરે અધિકારીઓ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પહેલાં હની સિંહે વિદેશમાં હોવાનું કારણ આપીને ત્રણ સમન્સ ટાળ્યા હતા. એનડીટીવીના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી છે કે જો આ વખતે પણ તે હાજર નહીં થાય, તો તેમની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. એલઓસી જારી થયા બાદ તેમને દેશની બહાર જવા કે પરત ફરવા વખતે હવાઈ મથકો પર રોકી શકાય છે.

આ મામલો દિલ્હીમાં આયોજિત એક કોન્સર્ટ સાથે સંબંધિત છે, જ્યાં હની સિંહે કારમાં શારીરિક સંબંધ બાંધવા અંગે કથિત રીતે અશ્લીલ ટિપ્પણી કરી હતી. કાર્યક્રમની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી. વિવાદ વધ્યા બાદ સાયબર પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો. સાયબર સેલ આ મામલાની તપાસના ભાગરૂપે તેમની પૂછપરછ કરવા માંગે છે.

સાયબર સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ, હની સિંહને પહેલાં પણ ત્રણ વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક વખતે તેમણે વિદેશમાં હોવાનું કારણ આપીને હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે વિવાદ થયા બાદ હની સિંહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે, 'વીડિયો ક્લિપને એ રીતે એડિટ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને ઠેસ પહોંચી.' તેમણે કહ્યું હતું કે તેમનો ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનો, અપમાનિત કરવાનો કે ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

પોતાની ટિપ્પણીનો સંદર્ભ સમજાવતા હની સિંહે કહ્યું હતું કે તેમણે એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી હતી. ડૉક્ટરે યુવાનોમાં અસુરક્ષિત સેક્સને કારણે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે આ સંદેશ એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે જેન-ઝી સમજી શકે.

તેમણે વીડિયોમાં કહ્યું હતું, “જેન-ઝીની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મેં આ સંદેશો એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે તેમને ગમશે. જોકે, મને ખૂબ અફસોસ છે કે મેં આ વાત જે રીતે કહી, તે ઘણા લોકો માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હતી. હું દિલથી માફી માગું છું.”

અલગથી, હની સિંહે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે તેમણે 2006નું વિવાદિત ગીત ‘વોલ્યુમ 1’ ગાયું નહોતું. આ પહેલાં એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હની સિંહના કથિત ગીત ‘વોલ્યુમ 1’ના URL સોશિયલ મીડિયા અને ફાઇલ-શેરિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન અદાલતે આ ગીતને અત્યંત અશ્લીલ, વાંધાજનક અને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે આવા કન્ટેન્ટને યોગ્ય ઠેરવવા માટે કલાત્મક સ્વતંત્રતા અને બોલવાની કે અભિવ્યક્તિની આઝાદીનો ઉપયોગ કરી શકાય નહીં.