સત્ય. સાહસ. સંકલ્પ.

હની સિંહ સામે ધરપકડ વોરંટની તૈયારી, લુક આઉટ સર્ક્યુલર પણ જારી થશે

હની સિંહ સામે ધરપકડ વોરંટની તૈયારી, લુક આઉટ સર્ક્યુલર પણ જારી થશે

બોલિવૂડ રેપર અને ગાયક હની સિંહ સોમવારે મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. દિલ્હીમાં એક કોન્સર્ટ દરમિયાન કથિત વાંધાજનક ટિપ્પણીના મામલે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર સાયબરના એક અધિકારીએ જણાવ્યું કે હની સિંહે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે. સાયબર પોલીસ હવે કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ માંગશે અને તેમની વિરુદ્ધ લુક-આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવાની પ્રક્રિયા શરૂ કરશે.

આ મામલો દિલ્હીના કોન્સર્ટના એક વીડિયો સાથે જોડાયેલો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં હની સિંહ વાહનોમાં શારીરિક સંબંધ બાંધવા અંગે અશ્લીલ સંદર્ભ આપતા દેખાયા હતા. આ ટિપ્પણી પર સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને કેસ નોંધાયો. આ મામલો જાન્યુઆરી 2026નો છે, જ્યારે દિલ્હીમાં એક કોન્સર્ટમાં હની સિંહ મહેમાન તરીકે પહોંચ્યા હતા.

મહારાષ્ટ્ર નોડલ સાયબર પોલીસના એક અધિકારીએ કહ્યું, 'અમે યો યો હની સિંહને સમન્સ મોકલ્યું હતું, પરંતુ તે હાજર થયા નહીં અને તેમણે થોડો સમય માગ્યો છે.' અધિકારીએ ઉમેર્યું, 'એજન્સી હવે ધરપકડ વોરંટ માટે સંબંધિત અદાલતનો સંપર્ક કરશે. હની સિંહ દેશ છોડીને ન જાય તે સુનિશ્ચિત કરવા લુક-આઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવશે.'

વિવાદ વધતાં હની સિંહે એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે વીડિયો ક્લિપને એ રીતે એડિટ કરવામાં આવી હતી, જેનાથી લોકોને ઠેસ પહોંચી. તેમનો ક્યારેય કોઈને ઈજા પહોંચાડવાનો, અપમાનિત કરવાનો કે ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

પોતાની ટિપ્પણીનો સંદર્ભ સમજાવતા હની સિંહે કહ્યું હતું કે તેમણે એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી હતી. ડૉક્ટરે યુવાનોમાં અસુરક્ષિત સેક્સને કારણે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હની સિંહે કહ્યું કે તેમણે આ સંદેશો એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે જેન-ઝી સમજી શકે. તેમણે કહ્યું, 'જેન-ઝીની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મેં આ સંદેશો એવી ભાષામાં આપવાનો પ્રયાસ કર્યો, જે તેમને ગમશે. જોકે, મને ખૂબ અફસોસ છે કે મેં આ વાત જે રીતે કહી, તે ઘણા લોકો માટે અયોગ્ય અને અસ્વીકાર્ય હતી. હું દિલથી માફી માગું છું.'

અગાઉ એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હની સિંહના કથિત ગીત 'વોલ્યુમ 1'ના URL સોશિયલ મીડિયા અને ફાઇલ-શેરિંગ પ્લેટફોર્મ પરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન અદાલતે આ ગીતને અત્યંત અશ્લીલ, વાંધાજનક અને મહિલાઓ પ્રત્યે અપમાનજનક ગણાવ્યું હતું. અદાલતે કહ્યું હતું કે આવા કન્ટેન્ટને યોગ્ય ઠેરવવા માટે કલાત્મક સ્વતંત્રતા અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકાય નહીં.

હની સિંહે દિલ્હી હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે તેમણે 2006નું વિવાદિત ગીત 'વોલ્યુમ 1' ગાયું નહોતું. આ અરજી હિંદુ શક્તિ દળે દાખલ કરી હતી. સંગઠને આરોપ લગાવ્યો હતો કે હની સિંહે 1 માર્ચ 2025ના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કોન્સર્ટ દરમિયાન આ ગીતની બે પંક્તિઓ ગાઈ હતી. સંગઠનનો દાવો હતો કે હની સિંહ અને રૅપર બાદશાહનું 2006માં રિલીઝ થયેલું આ ગીત વાંધાજનક છે અને તે ઑનલાઇન પ્લેટફોર્મ પર બાળકો માટે ઉપલબ્ધ છે. મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટે આ અરજીના સંબંધમાં હની સિંહને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.