સત્ય. સાહસ. સંકલ્પ.

લીમડાનું તેલ ઘરે બનાવો: ખોડો અને ખંજવાળથી રાહતના સરળ ઉપાય

લીમડાનું તેલ ઘરે બનાવો: ખોડો અને ખંજવાળથી રાહતના સરળ ઉપાય

માથામાં ખોડો (ડેન્ડ્રફ), ખંજવાળ અથવા ત્વચામાં બળતરા અને નાના દાણા થવા એ સામાન્ય સમસ્યાઓ છે. લોકો આ માટે વિવિધ શેમ્પૂ અને હેર કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તો કેટલાક ઘરેલું ઉપાયો પણ અજમાવે છે. આવો જ એક ઉપાય લીમડાનું તેલ છે, જે વાળની સમસ્યાઓમાં ઉપયોગી માનવામાં આવે છે. સારી વાત એ છે કે તમે ઘરે જ 100% શુદ્ધ લીમડાનું તેલ સરળતાથી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી: તાજા લીમડાના પાન અને નારિયેળનું તેલ.

બનાવવાની રીત:

1. લીમડાના પાન ધોઈને સારી રીતે સૂકવી લો. ધ્યાન રહે કે પાનમાં પાણી ન રહે.

2. પાનને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો. ઈચ્છો તો વાટી પણ શકો છો.

3. એક ભારે કડાઈમાં નારિયેળ તેલ ગરમ કરો. તેલ હૂંફાળું થાય એટલે તેમાં લીમડાના પાનની પેસ્ટ ઉમેરો.

4. મિશ્રણને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી પકાવો અને સતત હલાવતા રહો, જેથી પાન બળી ન જાય.

5. ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી તેને ગરણી કે સૂકા કપડાથી ગાળી લો.

6. તૈયાર લીમડાનું તેલ સાફ બોટલમાં સ્ટોર કરો.

વાળ પર લીમડાનું તેલ લગાવવાના ફાયદા:

હેલ્થલાઈનના અહેવાલ મુજબ, લીમડામાં 'નિમ્બિડિન' નામનું તત્વ મળી આવે છે. કેટલાક જૂના સંશોધનો દર્શાવે છે કે નિમ્બિડિન સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે. તેમાં ફંગસને ઓછો કરતા ગુણ પણ જોવા મળે છે. તેથી લીમડાનું તેલ ખોડો ઓછો કરવામાં મદદ કરી શકે છે. જો માથામાં ખૂબ ખંજવાળ આવતી હોય, તો લીમડાનું તેલ રાહત આપી શકે છે. તે વાળમાંથી જૂ નાશ કરવામાં પણ અસરકારક ગણાય છે.

કેવી રીતે લગાવવું?

લીમડાનું તેલ સીધું વાળમાં લગાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. થોડી જગ્યાએ લગાવીને 30 મિનિટ જુઓ. જો બળતરા કે લાલાશ થાય તો ઉપયોગ ટાળો. લીમડાનું તેલ વધુ માત્રામાં ન લગાવો; તેને હંમેશા અન્ય તેલમાં મિક્સ કરીને જ ઉપયોગ કરો.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત ઉપાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.