શિયાળામાં ઠંડી હવા અને ભેજની અછતને કારણે હાથની ત્વચા ઝડપથી સૂકી થાય છે. ઘણી વખત સુકારો એટલો વધી જાય છે કે હાથ પર તિરાડો પડે છે અને ત્વચા બેજાન લાગે છે. આવા સમયે મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સના બદલે ઘરેલું ઉપચારો ઘણીવાર વધુ ઉપયોગી સાબિત થાય છે.
આજકાલ સોશિયલ મીડિયા પર અપરાજિતાના વાદળી ફૂલોમાંથી બનતા બામની ચર્ચા ખૂબ થાય છે. દાવો કરવામાં આવે છે કે આ બામ લગાવવાથી હાથનો સુકારો દૂર થાય છે અને ત્વચાને કુદરતી નિખાર મળે છે. આવો જાણીએ આ બામ કેવી રીતે બને છે અને તેની પાછળનું વિજ્ઞાન શું કહે છે.
શું શું જોઈએ?
અપરાજિતાને અંગ્રેજીમાં બટરફ્લાય પી કહેવાય છે. તેના વાદળી ફૂલોમાં એન્થોસાયનિન જેવા એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. બામ બનાવવા માટે 8થી 10 તાજા કે સૂકા ફૂલ, 1થી 2 મોટી ચમચી નારિયેળ અથવા બદામનું તેલ, 1થી 2 મોટી ચમચી એલોવેરા જેલ અને જેટલું જરૂરી હોય તેટલું બીવેક્સ (મધમાખીનું મીણ) લેવાનું રહેશે. વિટામિન E કેપ્સ્યુલ ઉમેરવી છે કે નહીં, તે તમારી પસંદ પર છે.
બનાવવાની રીત
પહેલાં ફૂલોને સ્વચ્છ પાણીથી ધોઈ લો. પછી અડધા ગ્લાસ ગરમ પાણીમાં ફૂલો નાખીને લગભગ 10 મિનિટ ઢાંકીને રાખો. પાણીનો રંગ ઘાટો વાદળી થઈ જાય એટલે તેને ગાળીને ઠંડું કરી લો. બીજી તરફ ડબલ બોઈલર પદ્ધતિથી નારિયેળ કે બદામના તેલમાં થોડું બીવેક્સ પીગળાવો. મિશ્રણ હળવું ઠંડું થાય એટલે તેમાં એલોવેરા જેલ અને ગાળેલું અપરાજિતાનું પાણી નાખીને બરાબર મિક્સ કરો.
કેટલું બનાવવું અને કેવી રીતે રાખવું?
પાણી અને તેલનું મિશ્રણ લાંબા સમય ટકતું નથી, એટલે બામ ઓછી માત્રામાં જ બનાવવો સારો. તેને ફ્રિજમાં રાખો. જો તેની સુગંધ, રંગ કે ટેક્સચરમાં કોઈ બદલાવ દેખાય તો તેનો ઉપયોગ તરત બંધ કરો.
કરચલીઓ અને ડાઘ દૂર થશે?
અપરાજિતાના ફૂલોમાં એન્ટિઓક્સિડન્ટ્સ ચોક્કસ છે, પણ તેના ઉપયોગથી હાથની કરચલીઓ કે કાળા ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. નારિયેળ કે બદામનું તેલ ત્વચાને પોષણ આપે છે અને બીવેક્સ ભેજ જાળવી રાખવા માટે સુરક્ષા સ્તર બનાવે છે. એટલે આ બામ હાથનો સુકારો અને તિરાડો દૂર કરવામાં મદદરૂપ છે, પણ તેને કરચલીઓનો કાયમી ઇલાજ ન ગણો.
વિટામિન E કેપ્સ્યુલ ઉમેરવી જોઈએ?
બામમાં વિટામિન E કેપ્સ્યુલ ઉમેરવી ફરજિયાત નથી. કેટલાક લોકોને તેનાથી ખંજવાળ, લાલાશ કે એલર્જી થઈ શકે છે. જેમના હાથ ખૂબ ફાટેલા હોય કે ત્વચા અતિ સંવેદનશીલ હોય, તેમણે ખાસ સાવધાની રાખવી જોઈએ. બામ વાપરતા પહેલાં હાથના નાના ભાગ પર પેચ ટેસ્ટ અવશ્ય કરી લેવો.