ઘરમાં રોજ સ્વિચ બોર્ડનો ઉપયોગ થાય છે. ધૂળ, માટી અને હાથના પરસેવાના કારણે સ્વિચ બોર્ડ ઘણીવાર ગંદા થઈ જાય છે અને તેના પર કાળા ડાઘ પડી જાય છે. આવી સ્થિતિમાં તેને સાફ કરવા માટે બજારમાં મળતા કેમિકલનો ઉપયોગ કરવાને બદલે કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકાય છે. અહીં અમે તમને 5 સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ.
શેવિંગ ક્રીમ: ગંદા અને ચીકણા સ્વિચ બોર્ડને સાફ કરવા માટે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. સ્વિચ બોર્ડ પર શેવિંગ ક્રીમ લગાવો અને તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ બ્રશથી સ્ક્રબ કરીને સાફ કરી લો.
નેઇલ પેઇન્ટ રીમુવર: જો સ્વિચ બોર્ડ પરના ડાઘ ખૂબ જૂના અને કાળા હોય, તો નેઇલ પેઇન્ટ રીમુવરનો ઉપયોગ કરી શકાય છે. તેને ડાઘવાળા વિસ્તાર પર હળવા હાથે ઘસો, ગંદકી દૂર થઈ જશે.
ટૂથપેસ્ટ: સ્વિચ બોર્ડને ચમકાવવા માટે ટૂથપેસ્ટ પણ કામ લાગે છે. સ્વિચ બોર્ડ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને જૂના બ્રશથી ગોળાકાર ગતિમાં ઘસો. ત્યાર બાદ ભીના કપડાથી સાફ કરી લો.
બેકિંગ સોડા અને લીંબુ: એક બાઉલમાં એક ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્વિચ બોર્ડ પર લગાવો અને 3 થી 5 મિનિટ રહેવા દો. પછી જૂના ટૂથબ્રશથી હળવા હાથે સ્ક્રબ કરીને સૂકા કપડાથી સાફ કરો.
સફેદ વિનેગર: થોડું સફેદ વિનેગર કપડા પર લગાવીને સ્વિચ બોર્ડને હળવા હાથે સાફ કરો. ત્યાર બાદ સૂકા કપડાથી લૂછી લો.
સાવધાની: સફાઈ કરતા પહેલાં મેઇન સ્વિચ બંધ કરવું જરૂરી છે. સ્વિચ બોર્ડ પર સીધું લિક્વિડ નાખવું નહીં. કપડા અથવા બ્રશ વડે જ સાફ કરવું. આ ઉપાયો અજમાવતા પહેલા નાની જગ્યા પર પરીક્ષણ કરી લેવું ઉચિત રહેશે.