ભારતના ભૂતપૂર્વ હોકી ખેલાડી એમ.એમ. સોમૈયાના બેંગલુરુ સ્થિત ઘરમાંથી ચોરોએ 1980ના મોસ્કો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ ચોરી લીધો છે. 28 ઑક્ટોબરની રાત્રે થયેલી આ ચોરી વખતે 67 વર્ષીય સોમૈયા પરિવાર સાથે કોડાગુ ગયા હતા.
ચોરોએ ગોલ્ડ મેડલ ઉપરાંત 1982 એશિયન ગેમ્સનો સિલ્વર, 1986 એશિયન ગેમ્સનો બ્રોન્ઝ અને 1982 ચેમ્પિયન્સ ટ્રોફીનો બ્રોન્ઝ મેડલ પણ લઈ ગયા. સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ અને 30 હજાર રૂપિયા રોકડા પણ ચોરાયા છે. પોલીસે કુલ ચોરીની કિંમત 3.53 લાખ રૂપિયા આંકી છે.
ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે એક પાડોશીએ સોમૈયાના ઘરનો દરવાજો ખુલ્લો જોયો અને તેમને જાણ કરી. પાડોશીના ઘરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજમાં રાત્રે લગભગ 2:34 વાગ્યે બે શંકાસ્પદ વ્યક્તિઓ ઘરમાં પ્રવેશતા દેખાયા છે. એકે વાદળી અને બીજાએ લાલ શર્ટ પહેરી હતી.
1980માં ભારતે 16 વર્ષ બાદ ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો હતો. આ પહેલાં ભારતે 1964ના ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. 1980માં ટીમ 16 વર્ષ બાદ ફરી ઓલિમ્પિક ચેમ્પિયન બની હતી. આ પહેલાં ભારતીય ટીમે 1928થી 1956 સુધી સતત 6 ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા હતા. ફાઇનલમાં ભારતે સ્પેનને 4-3થી હરાવ્યું હતું. સુરિન્દર સિંહ સોઢીએ બે ગોલ કર્યા હતા, જ્યારે મોહમ્મદ શાહિદ અને એમ.કે. કૌશિકે એક-એક ગોલ કર્યો હતો.
એમ.એમ. સોમૈયાનું પૂરું નામ માણેયાપાંડા મુથન્ના સોમૈયા છે. તેમનો જન્મ 8 મે 1959ના રોજ કર્ણાટકના મર્કારા (હવે મડિકેરી)માં થયો હતો. તેમના પિતા બોમ્બે હોકી એસોસિયેશનના સભ્ય હતા. સોમૈયા પાંચ વર્ષની ઉંમરથી હોકી જોતા હતા અને 12 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. બાદમાં માઇકલ સાલદાન્હાએ તેમને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ટીમમાં રમવાની તક આપી. 1975થી તેઓ બોમ્બેની જુનિયર અને સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટીમનો ભાગ બનવા લાગ્યા. 1980ના મોસ્કો ઓલિમ્પિક્સમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યૂ કર્યો અને ટીમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.
મોસ્કો ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ સામે એસ્ટ્રો ટર્ફ પર રમવાનો પડકાર હતો. આ કૃત્રિમ ઘાસથી બનેલું મેદાન હોય છે, જેના પર કુદરતી ઘાસની તુલનામાં બોલ ઝડપથી આગળ વધે છે. ભારતીય ખેલાડીઓ ત્યાં સુધી મોટાભાગે કુદરતી ઘાસ પર રમતા આવ્યા હતા. આ બદલાવ માટે કોચ બાલકૃષ્ણ સિંહે બેંગલુરુમાં કાંકરીના મેદાન પર અભ્યાસ કરાવ્યો હતો. તેનાથી ખેલાડીઓને ઝડપી સપાટી પર રમવાની તૈયારી કરવામાં મદદ મળી હતી. સોમૈયાએ પણ બાદમાં જણાવ્યું હતું કે એસ્ટ્રો ટર્ફ પર રમવું તેમના માટે નવો અનુભવ હતો.
મોસ્કો બાદ સોમૈયાએ 1984ના લોસ એન્જલિસ અને 1988ના સિયોલ ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1988માં તેઓ ભારતીય ટીમના કેપ્ટન બન્યા હતા. તેમણે બે હોકી વર્લ્ડ કપ, બે એશિયન ગેમ્સ, બે એશિયા કપ અને ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં પણ દેશ માટે રમ્યા હતા. તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.