સત્ય. સાહસ. સંકલ્પ.

રવિવારની રજા 136 વર્ષ પહેલાં શરૂ થઈ, 8 કલાક કામનો નિયમ 1940માં આવ્યો

રવિવારની રજા 136 વર્ષ પહેલાં શરૂ થઈ, 8 કલાક કામનો નિયમ 1940માં આવ્યો

આજે રવિવારે રજા મળવી સામાન્ય લાગે છે. પણ ભારતમાં એક સમય એવો હતો જ્યારે કામદારોએ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું. 1890 પહેલાં રવિવારની રજા અંગે કોઈ સામાન્ય નિયમ નહોતો. આજે જ્યારે બેન્ક કર્મચારીઓ પાંચ દિવસના સપ્તાહની માંગ કરી રહ્યા છે, ત્યારે રજાની આ વ્યવસ્થાનો ઇતિહાસ જાણવો રસપ્રદ બની જાય છે.

ઉપલબ્ધ માહિતી મુજબ અંગ્રેજ શાસન દરમિયાન રવિવારની રજા માટે પ્રયાસો થયા. મજૂર નેતા નારાયણ લોખંડેએ કામદારોને રવિવારની રજા મળે તે માટે લાંબો સંઘર્ષ કર્યો. અંતે 10 જૂન 1890થી કર્મચારીઓને રવિવારની રજા મળવા લાગી. ત્યારથી ભારતમાં સન્ડે હોલિડેની પરંપરા વધુ પ્રચલિત બની.

કામકાજના સમયમાં પણ મોટો ફેરફાર આવ્યો. 1940માં ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રયાસોથી મજૂરો માટે 8 કલાકના કામના સમયને માન્યતા મળી હોવાનો ઉલ્લેખ થાય છે. આ વ્યવસ્થાને ફેક્ટરી એક્ટ સાથે પણ જોડવામાં આવે છે.

દેશમાં પાંચ દિવસના સપ્તાહની વ્યવસ્થા તબક્કાવાર અમલમાં આવી. 21 મે 1985ના મેમોરેન્ડમ બાદ કેન્દ્ર સરકારની કેટલીક કચેરીઓમાં શનિવારની રજા સાથે પાંચ દિવસના સપ્તાહની શરૂઆત થઈ. રિઝર્વ બેન્ક સહિત કેટલીક સંસ્થાઓમાં પણ પાંચ દિવસનું સપ્તાહ અમલમાં છે.

હાલ સરકારી બેન્કોના આશરે 8 લાખ કર્મચારીઓ મહિનાના બીજા અને ચોથા શનિવારની જગ્યાએ તમામ શનિવાર અને રવિવારે રજા સાથે પાંચ દિવસનું સપ્તાહ કરવાની માંગ કરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓનું કહેવું છે કે બદલાતી કાર્યપ્રણાલી અને ડિજિટલ સેવાઓ વચ્ચે કામકાજની વ્યવસ્થામાં પણ ફેરફાર જરૂરી છે.

બીજી તરફ, સરકારી કચેરીઓમાં ઓનલાઇન કામગીરી વધવા છતાં સર્વર ડાઉન થવો અને કર્મચારીઓની અછત જેવા મુદ્દા પણ ચર્ચામાં રહે છે. ડિજિટલ કામગીરી વધારવા માટે કર્મચારીઓ અને નાગરિકો, બંનેને નવી કાર્યપ્રણાલી સાથે વધુ સુસંગત બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાય છે.