સત્ય. સાહસ. સંકલ્પ.

હિંમતનગર નજીક સ્કોર્પિયો કારે 12 પદયાત્રીઓને ટક્કર મારી, ટોળાએ કાર સળગાવી

હિંમતનગર નજીક સ્કોર્પિયો કારે 12 પદયાત્રીઓને ટક્કર મારી, ટોળાએ કાર સળગાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક ગંભીર અકસ્માત થયો છે. ભાદરવી પૂનમના પદયાત્રીઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી સ્કોર્પિયો કારે 12 જેટલા પદયાત્રીઓને ટક્કર મારી હતી. જેને કારણે ઘટનાસ્થળે અફળાતફળી મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત બાદ કારચાલકે વાહન ઉભું ન કરતાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં સ્થાનિક લોકોએ અને પદયાત્રીઓએ કારને ઘેરી લીધી અને ગુસ્સે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દીધી. ભડકે બળીને કાર ખાખ થઈ ગઈ હતી.

ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે, ફોરલેન હાઇવે પર ભારે અને બેફામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં નિયમોને કિનારે મૂકીને વાહનો દોડી રહ્યા છે. આ બેદરકારીના કારણે પદયાત્રીઓ અને સામાન્ય રાહદારીઓ સતત જોખમનો સામનો કરી રહ્યા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા (SP), ડીવાયએસપી, ગ્રામ્ય પોલીસ, બી-ડિવિઝન પોલીસ અને એલસીબીનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમે પણ પહોંચીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.