સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે સોમવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હિંમતનગર-ઈડર હાઈવે પર અંબાજી દર્શને જતા પદયાત્રીઓના ટોળા પર પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 16 પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે નાના ચેખલા ગામના મોહનભાઈ રમણભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાની વિગતો મુજબ, અંબાજી માતાના દર્શનાર્થે જતા પદયાત્રીઓનો સમૂહ દોલગઢ પાટિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી પૂરઝડપે આવેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પદયાત્રીઓના ટોળામાં ઘૂસી ગઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાક પદયાત્રીઓ હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. એકસાથે 16 લોકો અકસ્માતનો ભોગ બનતાં ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર સ્થાનિક લોકો અને અન્ય પદયાત્રીઓએ સતર્કતા દાખવીને વાહનને ઘેરી લીધું હતું અને ચાલકને પકડી પાડ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને આસપાસથી દોડી આવેલા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. રોષે ભરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર કારમાં આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા, ડીએસપી, ગ્રામ્ય પોલીસ અને એ-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 16 પદયાત્રીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 12 ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને અન્ય 4 ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.
જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતનું સ્થાનિક વહીવટી તંત્ર પણ પરિસ્થિતિનો તાગ મેળવવા હોસ્પિટલ પહોંચ્યું હતું. સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા પણ સ્થાનિક ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ સાથે હોસ્પિટલ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. કારમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે, જે સૂચવે છે કે કારચાલક દારૂના નશામાં ધૂત હતો અને નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. પદયાત્રીઓ અને સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, બેફામ અને ઓવરસ્પીડ વાહનોના કારણે આવા જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. હાલમાં પોલીસે કારચાલકની ધરપકડ કરી લીધી છે અને અકસ્માત તેમજ કાર સળગાવવાના મામલે સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈજાગ્રસ્તોની યાદી:
- દિલીપકુમાર સજ્જન્સી પટેલ (રહે. પંચમહાલ રોડરા)
- મહેશભાઈ મગનભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
- હાર્દિકકુમાર રતિલાલભાઈ સોલંકી (રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ)
- ચેતનાબેન મોહનભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
- સુનિલભાઈ નગીનભાઈ બારીયા (રહે. કણજી પાણી, તાલુકો જાંબુઘોડા)
- વક્તુભાઈ ગલબાભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
- મુકેશકુમાર નટવરભાઈ પટેલ (રહે. દાણોતરા, તાલુકો ગોધરા)
- રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર (રહે. દાણોતરા, તાલુકો ગોધરા)
- આશાબેન મહેશભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
- રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
- વિજયભાઈ ધીરુભાઈ પટેલ (રહે. દાણોતરા, તાલુકો ગોધરા)