મુંબઈમાં જન્મેલા અને ગુજરાતી પરિવારમાંથી આવતા સંગીતકાર-ગાયક હિમેશ રેશમિયાએ પોતાની સંગીત યાત્રામાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ક્યારેક તેમના ગીતો ચાર્ટબસ્ટર બન્યાં, તો ક્યારેક તેમના અવાજની મજાક ઉડાવવામાં આવી. કેટલાક લોકો તેમને 'નાકમાંથી ગાતા ગાયક' કહેતા, તો કેટલાક તેમની અભિનય ક્ષમતા પર સવાલ ઉઠાવતા. પરંતુ ફિલ્મોમાં નિષ્ફળતાઓ છતાં તેમણે હાર માની નહીં અને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવાનો સંકલ્પ કર્યો.
હિમેશનો જન્મ 23 જુલાઈ, 1973ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા વિપિન રેશમિયા પણ સંગીતકાર હતા, જેથી ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. તેઓ 16 વર્ષની ઉંમરે કામ કરવા લાગ્યા હતા. રેડિફને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે 16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પહેલી ટેલિવિઝન સિરિયલ પ્રોડ્યુસ કરી હતી. શરૂઆતથી જ તેમનું લક્ષ્ય સંગીતકાર બનવાનું હતું. ટેલિવિઝન માટે કામ કરતી વખતે તેમણે સંગીતની ઝીણવટભરી બાબતો શીખી. સિરિયલ 'અંદાજ'ના ટાઇટલ ટ્રેકથી સંગીતકાર તરીકે ઓળખ બનાવવાની શરૂઆત કરી.
બોલિવૂડમાં સ્થાન બનાવવું સરળ નહોતું. એ સમયગાળામાં અનુ મલિક, જતિન-લલિત અને શંકર-એહસાન-લોય જેવા સંગીતકારોનું વર્ચસ્વ હતું. હિમેશ નાના પ્રોજેક્ટ્સ કરતા રહ્યા અને મોટી તકની રાહ જોતા રહ્યા. તેમણે પોતાની કારકિર્દીમાં 1,300થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે.
1998માં આવેલી ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા'થી તેમને બોલિવૂડમાં સંગીતકાર તરીકે મોટી તક મળી. ત્યારબાદ તેમણે 'બંધન', 'હેલો બ્રધર' અને 'દુલ્હન હમ લે જાયેંગે' જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ વાસ્તવિક ઓળખ 2003માં આવેલી સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ'થી મળી. ફિલ્મનાં ગીતો યુવાનોમાં લોકપ્રિય થયાં. ખાસ કરીને 'ક્યોં કિસી કો', 'તુમસે મિલના' અને 'લગન લગી'એ તેમને ઈન્ડસ્ટ્રીના ચર્ચિત સંગીતકારોમાં સ્થાન અપાવ્યું. ત્યારબાદ તેમણે 'હમરાજ', 'ઐતરાઝ', 'મૈંને પ્યાર ક્યોં કિયા', 'દિલ માંગે મોર', 'આશિક બનાવાયા આપને' અને 'શાદી સે પહેલે'માં સંગીત આપ્યું.
રેડિફને 2006માં આપેલા ઈન્ટરવ્યૂમાં હિમેશે જણાવ્યું હતું કે છ મહિનામાં તેમનાં 27 ગીતો ચાર્ટબસ્ટર બન્યાં હતાં. 2009ના ઈન્ટરવ્યૂમાં તેમના સતત 36 હિટ ગીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેની પરથી જ તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
સંગીતકાર તરીકે સફળતા મળ્યા બાદ હિમેશે પોતાની ધૂનોને અવાજ આપવાનો નિર્ણય કર્યો. 2005માં ફિલ્મ 'આશિક બનાવાયા આપને'ના ટાઇટલ ટ્રેકથી ગાયક તરીકે ઓળખ બનાવી. રિલીઝ થતાં જ આ ગીત યુવાનોમાં લોકપ્રિય થઈ ગયું. ઇમરાન હાશ્મી અને તનુશ્રી દત્તા પર ફિલ્માવવામાં આવેલા આ ગીતે હિમેશને લોકપ્રિય ગાયક બનાવી દીધા. ત્યારબાદ 'ઝલક દિખલા જા', 'આશિકી મેં તેરી', 'તેરા સુરૂર', 'જરા ઝૂમ ઝૂમ', 'શકલકા બૂમ બૂમ', 'હુક્કા બાર', 'તંદૂરી નાઇટ્સ' અને 'નામ હૈ તેરા' જેવા ગીતોથી તેમની લોકપ્રિયતા વધુ વધી.
એક ઇન્ટરવ્યૂમાં હિમેશે કહ્યું હતું કે તેઓ પોતાને સૌથી પહેલાં સંગીતકાર માને છે. તેમના મતે, જ્યારે તેઓ બનાવેલી છ ધૂનોમાંથી એક ગીત પોતે ગાય છે, તો તેમાં ખોટું શું છે?
સિંગર બન્યા બાદ હિમેશને લોકપ્રિયતાની સાથે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. તેમના અવાજ પર સૌથી વધુ ટિપ્પણીઓ કરવામાં આવી. ટીકાકારો કહેતા હતા કે તેઓ નાકમાંથી ગાય છે. સોશિયલ મીડિયાના યુગ પહેલાંથી જ તેમના અવાજની ખૂબ મજાક ઉડાવવામાં આવતી હતી. 2020માં હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં હિમેશે સ્વીકાર્યું હતું કે શરૂઆતના તબક્કામાં આ ટીકાથી તેમને ગુસ્સો આવતો હતો. તેમણે જણાવ્યું કે 2006માં તેમને નાકથી ગાવાવાળા કહેવામાં આવ્યા ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તે સમયે તેમના લગભગ દરેક ગીતને સફળતા મળી રહી હતી, છતાં તેમના અવાજ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા.
સલમાન ખાન સાથેના સંબંધોની વાત કરીએ તો, સંગીતકાર તરીકે સલમાનની ફિલ્મોથી શરૂઆત કરનાર હિમેશે 'તેરે નામ', 'આશિક બનાયા આપને' અને 'ઝલક દિખલા જા' જેવા ગીતોથી ધૂમ મચાવી. ત્યારબાદ તે સિંગર બન્યા, સ્ટેજ શોમાં લોકપ્રિય થયા અને ફિલ્મોમાં હીરો પણ બન્યા. આ દરમિયાન સલમાન ખાન સાથે મતભેદોના સમાચાર આવ્યા, પરંતુ પાછળથી સંબંધો સુધર્યા અને બંનેએ ફરી સાથે કામ કર્યું. ટીકાઓ અને ઉતાર-ચઢાવ વચ્ચે તેમની સંગીતની સફર ચાલુ છે.