સત્ય. સાહસ. સંકલ્પ.

કેરળ, કર્ણાટક, તેલંગાણા સરકારો રાજીનામું આપે તો બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર: હિમંતા બિસ્વા સરમા

કેરળ, કર્ણાટક, તેલંગાણા સરકારો રાજીનામું આપે તો બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર: હિમંતા બિસ્વા સરમા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પડકાર ફેંક્યો કે, જો કેરળ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગાણાની કોંગ્રેસ સરકારો રાજીનામું આપવા તૈયાર હોય, તો તેઓ બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર છે.

સરમાએ દાવો કર્યો કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન આ રાજ્યોમાં કથિત 'વોટ ચોરી' દ્વારા જ કોંગ્રેસની સરકારો બની હતી. તેમણે કહ્યું, “જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની સરકારોના રાજીનામા માટે તૈયાર હોય, તો હું બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર છું.”

મતદાર યાદીમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાનો બચાવ કરતા તેમણે કહ્યું કે, ભારતમાં SIRની ખૂબ જરૂર છે. તેમણે જણાવ્યું કે, મોટા પાયે થઈ રહેલી ગેરકાયદે ઘૂસણખોરીના કારણે આસામ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની વસ્તી-રચના બદલાઈ ગઈ છે. તેમણે માંગ કરી કે દર પાંચ વર્ષે SIR થવું જોઈએ, જેથી ભારતીય લોકશાહી બચી શકે.

રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો મૂકતા સરમાએ કહ્યું કે, તેઓ વિદેશી તાકાતોના ઈશારે કામ કરી રહ્યા છે અને દેશની લોકતાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી ભારતને નેપાળ અને બાંગ્લાદેશ જેવી સ્થિતિમાં ધકેલવા માગે છે.

કોંગ્રેસના આંદોલનને જનસમર્થન વગરનો ગણાવતા તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે માત્ર 2,000થી 3,000 લોકો જ જોડાઈ રહ્યા છે. આ વિરોધ હતાશ લોકો અને નક્સલી વિચારધારા ધરાવતા લોકોના એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેઓ ભારતની પ્રગતિ નથી માંગતા.