ગાંધીધામ: આસામના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા હેમંત બિસ્વા સરમાએ સોમવારે ગાંધીધામમાં એક પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને "પાગલ" ગણાવતાં કહ્યું કે તેમના પર ટિપ્પણી કરવાનો કોઈ અર્થ નથી.
પત્રકાર પરિષદમાં એક પત્રકારે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા વોટચોરીના આરોપ અંગે સવાલ પૂછ્યો હતો. સવાલ પૂરો થાય તે પહેલાં જ બિસ્વા સરમાએ કહ્યું, "એ તો પાગલ છે. તમે એક પાગલ વિશે મને નિવેદન આપવાનું કેમ કહી રહ્યા છો? હું રાહુલ ગાંધીને પાગલ માનું છું. તમે તેમનો ચહેરો જુઓ, ક્યારેક દાઢીવાળો તો ક્યારેક સાફ મોંઢું. ક્યારેક દેશમાં હોય તો ક્યારેક વિદેશમાં. એટલે એ વ્યક્તિને હું આખો પાગલ માનું છું અને તેના પર ટિપ્પણી કરીને કોઈ ફાયદો નથી."
આ પહેલાં ગયા મહિને પણ બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિશે કડક શબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પાગલ હતા, પાગલ છે અને પાગલ જ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી હિંદુ ધર્મને નિશાન બનાવવા માટે મહિલાઓના અધિકારોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. બિસ્વા સરમાએ પડકાર ફેંક્યો હતો કે જો રાહુલ ગાંધી ખરેખર લિંગ સમાનતામાં માનતા હોય, તો તેમણે સમાન નાગરિક અધિકાર સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)નું બિનશરતી સમર્થન કરવું જોઈએ.
ગાંધીધામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હેમંત બિસ્વા સરમાએ કચ્છ જિલ્લામાં એક મહત્વના ઔદ્યોગિક પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ભાગ લીધો હતો. કંડલા એરપોર્ટ પર કલેક્ટર અનિલ રાણાવસિયા, દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘ અને પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારે તેમનું સ્વાગત કર્યું હતું.
ગાંધીધામના ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 150 ટન પ્રતિ દિવસ (ટીપીડી) ક્ષમતાના ઈ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્લાન્ટમાં અંદાજે 2,300 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું અનુમાન છે.
આ અદ્યતન ઈ-મિથેનોલ પ્લાન્ટ સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ મહત્વનો પુરવાર થશે. દરરોજ 150 ટન ગ્રીન ફ્યુઅલનું ઉત્પાદન દરિયાઈ વહાણવટામાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને આયાતી ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને ખાસ કરીને કચ્છની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા છે.
પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3,500થી વધુ રોજગારીની તકો ઊભી થવાની ધારણા છે. સ્થાનિક યુવાનો, એન્જિનિયરો અને ટેક્નિકલ કામદારો ઉપરાંત લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાય ચેઇન સાથે જોડાયેલા વેપારીઓ અને શ્રમિકોને પણ રોજગારી મળશે. આ પ્રોજેક્ટ ભારત સરકારના ગ્રીન પોર્ટ્સ, ટકાઉ દરિયાઈ પરિવહન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.