સત્ય. સાહસ. સંકલ્પ.

હિમાલયના ગ્લેશિયર 65% વધુ ઝડપથી પીગળી રહ્યા છે, 2 અબજ લોકોની જીવનશૈલી પર ખતરો

હિમાલયના ગ્લેશિયર 65% વધુ ઝડપથી પીગળી રહ્યા છે, 2 અબજ લોકોની જીવનશૈલી પર ખતરો

હિમાલય પર્વતમાળાના ગ્લેશિયર (હિમનદી) અને બરફથી ઢંકાયેલા વિસ્તારો અગાઉની તુલનામાં અત્યંત ઝડપથી પીગળી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર દુનિયાના કોઈપણ ભાગના ગ્લેશિયરની સરખામણીએ હિમાલયના ગ્લેશિયર વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. કાર્બન ઉત્સર્જન અને ગ્રીન હાઉસ ગેસ વધવાને કારણે તાપમાનમાં થયેલો વધારો આનું મુખ્ય કારણ મનાય છે.

કાઠમાંડુ સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ ગ્લેશિયર્સે વર્ષ 2000-2009ની સરખામણીમાં 2010-2019 દરમિયાન 65 ટકા વધુ ઝડપથી બરફ ગુમાવ્યો છે. એટલે કે ગ્લેશિયર્સ પીગળવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે.

આ અભ્યાસના તારણો દર્શાવે છે કે જો તાત્કાલિક અને નોંધપાત્ર રીતે પ્રદૂષણ ઘટાડવામાં નહીં આવે, તો હિન્દુ કુશ હિમાલયન પ્રદેશ વર્ષ 2100 સુધીમાં તેના 80 ટકા ગ્લેશિયર ગુમાવી શકે છે. આની અસર માત્ર ભારત પૂરતી સીમિત નથી, પરંતુ ચીન, તિબેટ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાન માટે પણ ગંભીર સંકેત છે.

હિન્દુ કુશ હિમાલયન ક્ષેત્રના ગ્લેશિયર્સ 12 મુખ્ય નદીઓ માટે પાણીનો મહત્વપૂર્ણ સ્રોત છે. આ નદીઓ આ પ્રદેશમાં રહેતા 24 કરોડ લોકો અને નીચાણવાસી વિસ્તારોમાં રહેતા અન્ય 1.65 અબજ લોકોને તાજું પાણી પૂરું પાડે છે. સંશોધકોએ ચેતવણી આપી છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે, જેના લીધે અચાનક આવતા ભયાનક પૂર અને બરફ ધસી પડવાની ઘટનાઓ બની શકે છે. આ સ્થિતિ લગભગ 2 અબજ લોકોના જીવન અને આજીવિકા પર ગંભીર અસર કરી શકે છે. જેના કારણે પાકને નુકસાન થશે, જમીનનો ઉપયોગ બદલાઈ જશે, પાકમાં ઘટાડો થશે અને પશુપાલન પર પણ અસર પડશે.

હિન્દુ કુશ હિમાલયન ક્ષેત્ર 42 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જેમાં માઉન્ટ એવરેસ્ટ જેવા વિશ્વના સૌથી ઊંચા પર્વતો સમાવિષ્ટ છે. પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધી આ ક્ષેત્રની લંબાઈ 3,500 કિલોમીટર છે અને તે પાકિસ્તાન, ભારત, ચીન, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશના ભાગોને આવરી લે છે. આ ક્ષેત્રમાં વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ આવેલી છે.

ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે એન્ડિઝ પર્વતમાળા અને હિમાલયમાં વસેલા તિબેટના સપાટ પ્રદેશને વધુ અસર થવાની શક્યતા છે. યુનિવર્સિટીના પર્યાવરણવાદી પ્રોફેસર લોની થોમસનના તારણ મુજબ, જો ગ્લોબલ વોર્મિંગની આ સ્થિતિ ચાલુ રહી તો વર્ષ 2100 સુધીમાં વિશ્વનો અડધો હિમ વિસ્તાર ગાયબ થઈ જશે. તેના પ્રભાવ હેઠળ બે તૃતીયાંશ ભાગનો વિનાશ થશે. પીવાના પાણીના સ્રોત ઘટતા જાય છે, જ્યારે તેની સામે માંગ સતત વધી રહી છે. હિમાલયન જ નહીં, દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં પણ ગ્લેશિયર ખેતી, પશુપાલન અને લોકો માટે જીવન નિર્વાહનો મુખ્ય સ્રોત છે.

વર્ષ 2016થી તિબેટમાં ભારત અને ચીન દ્વારા ચાલતા સંશોધનમાં પણ જાણવા મળ્યું હતું કે હિમાલયન ક્ષેત્રમાં સેંકડો હિમનદીઓ પીવાના પાણીનો મુખ્ય સ્રોત છે. આ સેંકડો જળપ્રવાહ ભૂતાન, ભારત, ચીન અને નેપાળને પાણી પહોંચાડે છે. પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ એમ બે ધ્રુવો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સંશોધકો તિબેટની વિશિષ્ટતાના કારણે તેને પૃથ્વીનું ત્રીજું ધ્રુવ માને છે. આ ત્રીજા ધ્રુવ પર પાણીનું સંકટ ઊભું થાય તો જીવસૃષ્ટિ માટે ટકી રહેવું મુશ્કેલ બની જશે.

બીજી તરફ, ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)ના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1,300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઈ રહી છે. તેના કારણે તેના તટ પ્રદેશમાં રહેતા લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાઈ રહી છે. 1991થી 2020ના સમયગાળામાં ગંગા જે રીતે સૂકાઈ છે તે છેલ્લા 1,000 વર્ષના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.