સત્ય. સાહસ. સંકલ્પ.

હિમાલયના ગ્લેશિયર એક દાયકા પહેલા કરતાં 65% ઝડપથી પીગળી રહ્યા છે: અહેવાલ

હિમાલયના ગ્લેશિયર એક દાયકા પહેલા કરતાં 65% ઝડપથી પીગળી રહ્યા છે: અહેવાલ

હિમાલયના ગ્લેશિયરો અગાઉની સરખામણીએ ઘણા ઝડપથી પીગળી રહ્યા છે. એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દસ વર્ષ પહેલાંની તુલનામાં હવે આ ગ્લેશિયરો લગભગ 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. આ અહેવાલ ગ્લોબલ કન્સલ્ટન્સી 'સિસ્ટેમિક'એ 'ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ઇનિશિયેટિવ' સાથે મળીને તૈયાર કર્યો છે. તેમાં અન્ય ઘણી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો છે.

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે નેપાળ અને તિબેટના હિમાલય વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે.

અહેવાલ મુજબ, હિમાલય ક્ષેત્રમાં ભારતની જમીનનો હિસ્સો માત્ર 18 ટકા છે, પણ દેશમાં આવતી કુદરતી આપત્તિઓમાંથી 35 ટકા આ જ ક્ષેત્રમાં બને છે. જે ભારતીય હિમાલય વિસ્તાર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે, તેનું દેશની જીડીપીમાં 20 ટકા જેટલું યોગદાન છે.

ગ્લેશિયરો આટલા ઝડપથી પીગળવા પાછળ ગ્લોબલ વોર્મિંગ ઉપરાંત 'બ્લેક કાર્બન' મુખ્ય કારણ મનાય છે. મેદાની વિસ્તારોની ઈંટ-ભઠ્ઠાઓમાંથી નીકળતો ધુમાડો બ્લેક કાર્બન સ્વરૂપે ગ્લેશિયરો પર જમા થાય છે, જેનાથી બરફ વધુ ઝડપથી ઓગળે છે.

અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે આ સદીના મધ્ય સુધીમાં હિમાલય બેસિનની નદીઓમાં પાણીનું સ્તર સૌથી ઊંચા મુકામે પહોંચશે અને ત્યારબાદ નદીઓ સૂકાવા લાગશે. વર્ષ 2100 સુધીમાં હિન્દુ કુશ ક્ષેત્રના 80 ટકા ગ્લેશિયર પાણી બની જવાની ધારણા છે.

અહેવાલમાં જણાવાયું છે કે બ્લેક કાર્બનનું ઉત્સર્જન રોકવા સરકાર અને સંબંધિત તંત્રને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યની આ મોટી આપત્તિનું જોખમ ઘટાડી શકાય.