સત્ય. સાહસ. સંકલ્પ.

હિમાલયના ગ્લેશિયરો પર કાળી ચાદર: પ્રદૂષણથી બરફ ઝડપથી પીગળવાનો ખતરો

હિમાલયના ગ્લેશિયરો પર કાળી ચાદર: પ્રદૂષણથી બરફ ઝડપથી પીગળવાનો ખતરો

હિમાલયના ગ્લેશિયરો, જે એક સમયે બરફથી ઢંકાયેલા સ્વચ્છ દેખાતા હતા, તે હવે વાહનોના ધુમાડા, કોલસાના પ્લાન્ટ્સ અને ફેક્ટરીઓમાંથી નીકળતા પ્રદૂષણને કારણે કાળા પડી રહ્યા છે. આ કાળી પરત (બ્લેક કાર્બન) બરફ પર જામી જવાથી ગ્લેશિયરો સૂર્યની ગરમી વધુ શોષે છે, જેના કારણે તે ઝડપથી પીગળી રહ્યા છે.

કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર માર્કો ટેડેસ્કોના જણાવ્યા અનુસાર, સ્વચ્છ બરફ સૂર્યના કિરણોને 90% સુધી પરાવર્તિત કરે છે, પરંતુ જ્યારે કાળા કણો જમા થાય છે ત્યારે આ પરાવર્તન ઘટી જાય છે અને બરફ વધુ ગરમી શોષી લે છે. પરિણામે ગ્લેશિયર પીગળવાની ગતિ વધે છે.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સિસના અભ્યાસ પ્રમાણે, 2007 થી 2016 દરમિયાન હિમાલયમાં ગ્લેશિયરોને થયેલા નુકસાનમાં દક્ષિણ એશિયાના બ્લેક કાર્બનનો હિસ્સો એક તૃતીયાંશ જેટલો હતો. બરફ પીગળીને ગ્લેશિયરની અંદર ઊંડી સુરંગો બનાવે છે, જેનાથી ગ્લેશિયર અસ્થિર થઈને તૂટી પડે છે અને ભૂસ્ખલન તથા પૂર જેવી હોનારતો સર્જી શકે છે.

આ ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે 2020ના COVID-19 લોકડાઉન દરમિયાન પ્રદૂષણ ઘટતાં બરફ પીગળવાની પ્રક્રિયામાં 40% ઘટાડો નોંધાયો હતો. ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થાના 2023ના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે, જે દર્શાવે છે કે પ્રદૂષણ નિયંત્રણથી ગ્લેશિયરોને બચાવી શકાય છે.

નેપાળે તાજેતરમાં ભોટેકોશી નદીમાં આવેલા ભયાનક પૂરને 'હિમાલયન સુનામી' ગણાવ્યું છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે ચીન, અમેરિકા અને ભારત જેવા મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશોને અપીલ કરી છે કે તેઓ આવી હોનારતો માટે જવાબદારી લે અને સંવેદનશીલ દેશોને વળતર આપે.