હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગર વિસ્તારના લડભડોલમાં મંગળવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. સિમસા ખાતે એક સમારંભમાં હાજરી આપીને પરત ફરી રહેલા છ યુવકોની કાર લડભડોલ પેટ્રોલ પંપ નજીક ચાલકનો કાબૂ ગુમાવતાં અનિયંત્રિત થઈને લગભગ 500 મીટર ઊંડી ખીણમાં જઈ પડી હતી. આ દુર્ઘટનામાં તમામ છ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે ઘરેથી નીકળેલા આ યુવકો રાત્રે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બુધવારે સવારે કાર ખીણમાં પડેલી હોવાની જાણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
પધરના ડીએસપી લોકેન્દ્ર નેગીએ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. મૃતકોમાં 18 વર્ષીય આદિત્ય, 19 વર્ષીય આયુષ, યશ, પંકજ, અર્નવ અને અનુજનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર તેમાંથી ચાર સગીર હતા. આ યુવકો લડભડોલ બજારના વેપારી પરિવારોના હોવાનું જાણવા મળે છે.
છ આશાસ્પદ યુવાનોના એકસાથે મોતના સમાચારથી આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાસ્થળે પરિવારજનોનો કલાપ થઈ રહ્યો હતો. લડભડોલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની અસર હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પણ જોવા મળી હતી. શિયાળુ સત્ર દરમિયાન આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કરીને ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ વહેલી સ્થગિત કરવામાં આવી હતી. જોગિંદરનગરના ધારાસભ્ય પ્રકાશ રાણાએ પણ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.