નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા આદિવાસી ખેડૂતોને બેદખલ કરવાની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. આદિવાસી ખેડૂતોએ જમીન અને ખેતીના અધિકાર માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
અરજદારોની રજૂઆત મુજબ તેઓ વર્ષોથી જમીન સંબંધિત ટેકનિકલ અને વહીવટી પ્રક્રિયાઓના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંગલ જમીન પરના તેમના હક અંગેની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. તેમણે જમીનમાંથી ગેરકાયદે રીતે બેદખલ કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
અગાઉ પણ સાગબારા વિસ્તારના ખેડૂતોએ વન અધિકાર કાયદા હેઠળ કરવામાં આવેલા દાવાઓના નિકાલની માંગ સાથે આંદોલન કર્યું હતું.
સુનાવણી દરમિયાન અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે આદિવાસીઓને જમીનમાંથી હટાવવા માટે આદિવાસી જંગલ વિભાગના અધિકારીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક આદિવાસી સમુદાયને બીજા આદિવાસી સમુદાય સામે ઊભો કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. અરજદારોએ કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી કે ડેપ્યુટી કલેક્ટર, જેઓ જંગલ જમીન સંબંધિત સમિતિના ચેરમેન છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને આદિવાસીઓને તેમની જમીન પરથી હટાવી શકાય નહીં.
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આદિવાસીઓને જમીન ખેડવા દેવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અહીં તેમને ખેતી કરતા રોકવામાં આવી રહ્યા હોવાની રજૂઆત સામે આવી રહી છે. હાઈકોર્ટે સરકારને આ મામલે સ્પષ્ટતા કરવા ટકોર પણ કરી હતી. આદિવાસી ખેડૂતોને હટાવવાની પ્રક્રિયા કાયદેસર છે કે નહીં તે મુદ્દે પણ હાઈકોર્ટ સમક્ષ ચર્ચા થઈ હતી.
સુનાવણી બાદ હાઈકોર્ટે આદિવાસી ખેડૂતોને બેદખલ કરવાની કાર્યવાહી પર રોક લગાવી હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હોવાનું અરજદારો તરફથી જણાવાયું છે. વર્ષોથી આ મામલે મુશ્કેલીનો સામનો કરી રહેલા આદિવાસી ખેડૂતોને વધુ હેરાન ન કરવા પણ કોર્ટે ટકોર કરી હતી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સમગ્ર મામલે વિગતવાર હુકમ રજૂ કરવાની વાત કરી છે.
આગામી સુનાવણી 5 ઓક્ટોબર, 2026ના રોજ યોજાવાની છે. આ મામલો માત્ર જમીન વિવાદ પૂરતો સીમિત નથી, પરંતુ વન અધિકાર કાયદા હેઠળ આદિવાસી ખેડૂતોના દાવા, પરંપરાગત ખેતી અને વહીવટી પ્રક્રિયા સાથે પણ જોડાયેલો છે. તેથી આગામી સુનાવણીમાં કોર્ટનું વલણ અને સરકારનો જવાબ મહત્વનો રહેશે.