બોલિવુડની લોકપ્રિય કોમેડી ફિલ્મ 'Heyy Babyy'ના ચાહકો માટે સારા સમાચાર છે. ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મના સિક્વલની સત્તાવાર જાહેરાત કરી છે. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મ 19 વર્ષ બાદ પાછી ફરી રહી છે.
સાજિદ નડિયાદવાલાએ પોતાની ઓફિસમાં ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ફિલ્મોના શૂટિંગ માટે કરાર કર્યો છે, જેમાં 'Heyy Babyy'નો સિક્વલ પણ સામેલ છે.
સાજિદ નડિયાદવાલાએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં શૂટિંગનો અગાઉનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. ત્યાંની ટીમનો સહયોગી અભિગમ યાદગાર હતો. આ કરાર સિડની સ્થિત ટેમ્પલ સાથે કરવામાં આવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે આ નિર્ણયને રાજ્યના ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સિનેમાની મોટી પ્રોડક્શન કંપનીનું ઓસ્ટ્રેલિયામાં આવવું એ ત્યાંના ઉદ્યોગમાં વિશ્વાસ દર્શાવે છે.
2007માં રિલીઝ થયેલી 'Heyy Babyy'માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે સિક્વલમાં જૂની સ્ટારકાસ્ટ પાછી આવશે કે નહીં અને નિર્દેશક કોણ હશે.
ફિલ્મની વાર્તા અગાઉ પણ ચર્ચામાં રહી હતી, કારણ કે તેની સરખામણી કેટલીક વિદેશી ફિલ્મો સાથે કરવામાં આવી હતી. હવે સિક્વલની જાહેરાત બાદ દર્શકોને રાહ છે કે નવી ફિલ્મ જૂની વાર્તાને આગળ વધારશે કે નવા વળાંક લાવશે.