હવામાનમાં અચાનક થતા ફેરફારની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ચોમાસું પૂરું થઈને ઠંડીની શરૂઆત થાય છે, ત્યારે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડી અનુભવાય છે. આ મિશ્ર ઋતુમાં શરીરમાં કફ વધે છે અને ઉધરસ, ગળામાં ખરાશ જેવી તકલીફો થાય છે. વારંવાર દવા લેવાને બદલે કેટલીક દેશી ઘરેલુ ઔષધિઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહે તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક સરળ હર્બલ ડ્રિંકની રેસિપી શેર કરી છે, જે ફેફસાંને સાફ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
જરૂરી સામગ્રી:
- 200 મિલી પાણી
- 2 થી 3 લવિંગ
- 1 કળી લસણ
- 1/4 નાની ચમચી સૂંઠ પાવડર (અથવા આદુનો નાનો ટુકડો, છૂંદેલો)
- અડધું લીંબુ (સ્વાદ પ્રમાણે)
બનાવવાની રીત:
- એક તપેલીમાં 200 મિલી પાણી ઉકાળો અને ગેસ બંધ કરી દો.
- ગરમ પાણીમાં લવિંગ, લસણની કળી અને સૂંઠ પાવડર (અથવા આદુ) ઉમેરો.
- વાસણને ઢાંકીને થોડી મિનિટો માટે રહેવા દો, જેથી ઔષધીય ગુણો પાણીમાં ભળી જાય.
- પાણી હુંફાળું રહે ત્યારે ગાળી લો.
- છેલ્લે લીંબુનો રસ ઉમેરીને ધીમે-ધીમે પીવો.
આ સાવચેતીઓ રાખો:
- શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા જાળવો અને હાથ ધોતા રહો.
- ખોરાક સંતુલિત રાખો; ઘરનું તાજું અને સાદું ભોજન લો, જંક ફૂડ ટાળો.
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા વિટામિન C યુક્ત ફળ, શાકભાજી અને ડ્રાયફ્રુટ્સ ખાઓ.
- સવાર-સાંજ ઠંડી હોય ત્યારે શરીર ઢાંકી રાખો.
- બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી લો, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સંવેદનશીલ હોય છે.
- બે-ત્રણ દિવસ સુધી ઉધરસ કે તાવ ના મટે તો ડોક્ટરની સલાહ લો.
- સવારે કે સાંજે પ્રદૂષણ અને સ્મોગ વધુ હોય ત્યારે બહાર જવાનું ટાળો અથવા માસ્ક પહેરો.
નોંધ: આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો પર આધારિત છે. તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘરેલુ ઉપાય છે, દવાનો વિકલ્પ નથી. તકલીફ વધુ થાય તો ડોક્ટરની સલાહ લેવી.