સત્ય. સાહસ. સંકલ્પ.

હેમા માલિની: 13 વર્ષની ઉંમરે ફિલ્મમાંથી કાઢી મૂકાયા, પછી બન્યાં 'ડ્રીમ ગર્લ'

હેમા માલિની: 13 વર્ષની ઉંમરે ફિલ્મમાંથી કાઢી મૂકાયા, પછી બન્યાં 'ડ્રીમ ગર્લ'

16 ઑક્ટોબર 1948. તમિલનાડુના અમ્માનકુડીમાં જયા લક્ષ્મી પ્રસૂતિના અંતિમ તબક્કામાં હતાં. તેમને પહેલેથી બે દીકરા હતા. ત્રીજા બાળકના જન્મ પહેલાં જ તેમણે પતિ વી.એસ.આર. ચક્રવર્તીને કહ્યું હતું કે દીકરી જ થશે અને તેનું નામ હેમા માલિની રાખવામાં આવશે, જે મોટી થઈને ક્લાસિકલ ડાન્સર બનશે.

એ પ્રમાણે દીકરીનો જન્મ થયો. નામ પણ હેમા માલિની જ રાખવામાં આવ્યું. આજે આખો દેશ તેમને 'ડ્રીમ ગર્લ' તરીકે ઓળખે છે.

માતાના નિર્ણય મુજબ હેમા પહેલાં ક્લાસિકલ ડાન્સર બન્યાં, પછી હિરોઇન. પણ આ સ્ટારડમને કારણે પિતાને ગુમાવવાનો વારો આવ્યો. એક પાકિસ્તાની ચાહક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને રસોડાની છરી વડે ભય ફેલાવ્યો હતો.

હેમા માલિનીના જન્મદિવસ નિમિત્તે તેમની જિંદગીની રસપ્રદ કહાણી:

માતાએ નાનપણથી જ દિશા નક્કી કરી

હેમાને હોશ સંભાળ્યો ત્યારથી જાણ હતી કે માતાએ તેમનું નામ ક્લાસિકલ ડાન્સિંગમાં લખાવી દીધું છે. રમવા-કૂદવાની ખાસ તક નહોતી. શાળામાંથી પરત ફરતાં જ ક્યારેક ડાન્સ ક્લાસ તો ક્યારેક સિંગિંગ ક્લાસમાં જવું પડતું. કોઈ શિક્ષક શીખવવામાં બેદરકારી કરે તો માતા તરત જ ક્લાસ બદલી નાખતાં.

થોડાં વર્ષો પછી પરિવાર દિલ્હી આવીને સ્થાયી થયો. ક્લાસિકલ ડાન્સની તાલીમ ત્યાં પણ ચાલુ રહી. હેમા પણ બીજાં બાળકોની જેમ આખો દિવસ રમવા માંગતાં હતાં, પણ માતાએ કંઈક અલગ વિચારી રાખ્યું હતું.

માતા તેમના વાળમાં તેલ નાખીને ચોટલો વાળતાં, વાળમાં ફૂલો લગાવતાં, આંખોમાં કાજળ આંજતાં અને મદ્રાસી છોકરીની જેમ ઘાઘરા-ચોલી પહેરાવતાં. સાથે કપડાં પહેરવાની અને હાવભાવની સમજ પણ આપતાં.

દિલ્હીમાં જ્યારે તેઓ આ પહેરવેશમાં રસ્તા પર નીકળતાં ત્યારે લોકો તેમની મજાક ઉડાવતા. હેમા નારાજ થતાં ત્યારે માતા કહેતાં, 'તેઓ તમને સાઉથ ઇન્ડિયન કહે છે, તેમાં વાંધો શું છે? તમે સાઉથ ઇન્ડિયન જ છો.'

થોડાં જ વર્ષોમાં માતાએ પતિને સ્પષ્ટ કહી દીધું કે પોતાનું ટ્રાન્સફર મદ્રાસ કરાવી લે, કારણ કે ક્લાસિકલ ડાન્સની યોગ્ય તાલીમ મળવી જરૂરી હતી. પરિવાર મદ્રાસ આવી ગયો. થોડા સમયમાં જ હેમા સ્ટેજ શો કરવા લાગ્યાં.

13 વર્ષની ઉંમરે ફિલ્મમાંથી કાઢી મૂકાયાં

એક સ્ટેજ શોમાં 13 વર્ષની હેમા પર તમિલ ડિરેક્ટર સી.વી. શ્રીધરની નજર પડી. તેમણે હેમાને પોતાની આગામી ફિલ્મમાં કાસ્ટ કરી લીધાં. શૂટિંગ શરૂ થયું. હેમા ખૂબ ઉત્સાહથી બે દિવસ સેટ પર ગયાં. પણ ડિરેક્ટર તેમના નામથી ખુશ નહોતા. સૂચન મળ્યું કે હેમા માલિનીને બદલે નામ સુજાતા રાખવું જોઈએ.

ત્રીજા દિવસે તેમને એમ કહીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યાં, 'તું બહુ દુબળી-પાતળી છે, ક્યારેય હિરોઇન બની શકીશ નહીં.' 13 વર્ષની બાળકી માટે આ અસ્વીકાર ભાવનાત્મક રીતે ભારે હતો. ત્યારે માતાએ મનોબળ વધારતાં કહ્યું, 'આ તો માત્ર એક પડકાર છે, જેને સ્વીકારવો પડશે.' હેમા ફરી મંચ પર પાછાં ફર્યાં.

થોડા સમય પછી 1962ની ફિલ્મ 'ઇન્દુ સથિયમ'માં તેમને એક ગીતમાં ડાન્સ કરવાની તક મળી. ત્યાર બાદ ઘણી તમિલ ફિલ્મોમાં નાના રોલ મળવા લાગ્યા. સાઉથ ફિલ્મમેકર અને પ્રોડ્યુસર બી. અનંત સ્વામીએ હેમા માટે નવા રસ્તા ખોલ્યા. તેઓ તેમને ફિલ્મમેકર્સ સાથે મુલાકાત કરાવતા અને રોલ અપાવતા.

'રાજ કપૂરની ડ્રીમ ગર્લ'

બી. અનંત સ્વામી હિન્દી ફિલ્મો પણ બનાવતા હતા. 60ના દાયકાના અંતમાં તેમણે રાજ કપૂર સાથે એક ફિલ્મ શરૂ કરી, જેનું નામ હતું 'સપનોં કા સૌદાગર'. ડિરેક્ટર હતા મહેશ કૌલ અને હીરો રાજ કપૂર. અનંત સ્વામીએ આ ફિલ્મ માટે મહેશ કૌલને હેમા માલિનીનું નામ સૂચવ્યું. તેઓ હેમાને સ્ક્રીન ટેસ્ટ માટે રાજ કપૂરના સ્ટુડિયો લઈ ગયા.

રાજ કપૂરે ગામડાની છોકરીના ગેટઅપમાં ટેસ્ટ લેવાનું શરૂ કર્યું ત્યાં જ હેમા બોલી ઊઠ્યાં, 'મને એક્ટિંગ વિશે જરા પણ જાણકારી નથી.' ટેસ્ટ શરૂ થયો અને હેમાએ થોડી લાઇનો બોલી. રાજ કપૂરે પહેલાં કેમેરાની સ્ક્રીન જોઈ, પછી સામે ઊભેલી હેમાને જોઈ અને નજીક ઊભેલા ડિરેક્ટર મહેશ કૌલને કહ્યું, 'આ છોકરીને જુઓ, આ એક દિવસ ખૂબ આગળ જશે.'

રાજ કપૂરના કહેવાથી હેમાને હિન્દી ફિલ્મ 'સપનોં કા સૌદાગર' (1968)માં કાસ્ટ કરવામાં આવ્યાં અને તેમની બોલિવૂડ સફર શરૂ થઈ.