હોલિવૂડ સુપરમોડેલ હેઇદી ક્લુમ દર વર્ષે હેલોવીન પર પોતાના અનોખા અને ડરામણા લુકથી ચર્ચામાં રહે છે. આ વર્ષે પણ તેમણે 'બ્લડી હેન્ડ' કોસ્ચ્યુમ પહેરીને સૌને ચોંકાવી દીધા છે. આ લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
53 વર્ષીય હેઇદીએ આ કોસ્ચ્યુમ માટે પોતાના ડાબા હાથનો મોડલ તરીકે ઉપયોગ કર્યો હતો. જાયન્ટ કપાયેલા હાથના આ કોસ્ચ્યુમમાં તેમના હાથની રેખાઓ, નસો, ડાર્ક રેડ નેઇલ આર્ટ અને ગોલ્ડ રિંગ્સ ખૂબ જ ઝીણવટપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી. હેઇદીના પતિ ટોમ કોલિટ્ઝ અન્ય જવાબદારીઓને કારણે આ વર્ષે ઇવેન્ટમાં હાજર રહી શક્યા નહોતા, તેથી હેઇદીએ રિંગ ફિંગર પર પતિના નામનું ટેટૂ પણ કસ્ટમાઇઝ કરાવ્યું હતું.
આ લુક તૈયાર કરવા માટે પ્રોસ્થેટિક આર્ટિસ્ટ માઇક મરિનો અને તેમની ઓસ્કર વિજેતા ટીમે સાથે કામ કર્યું હતું. આ જાયન્ટ કિંગ-સાઇઝ કોસ્ચ્યુમ પહેરવા માટે હેઇદીને સતત 5થી 6 કલાક સુધી તૈયાર થવું પડ્યું હતું. આ રૂપમાં તેમને ઓળખવા મુશ્કેલ હતા; ફક્ત આંખો અને મોઢું દેખાતું હતું, અને લોહી ટપકતી જીભનો મેકઅપ બહાર દેખાય તે રીતે રાખવામાં આવ્યો હતો. આઉટફીટના કાંડાના ભાગે એક કપાયેલું માથું એવું દેખાતું હતું જાણે તે આઉટફીટનો જ ભાગ હોય, જેમાં નસો અને ધમનીઓ સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
હેઇદીએ ન્યૂ યોર્ક સિટીમાં હેલોવીન પાર્ટીમાં આ લુકમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. તેમને રેડ કાર્પેટ પર પહોંચાડવા માટે યલો કલરના 'હઝમેટ સૂટ' પહેરેલી એક વિશેષ પ્રોટેક્શન ટીમે સપોર્ટ આપ્યો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સાથે રમુજી કેપ્શન આપ્યું: "TALK TO THE HAND! #HeidiHalloween 2026 HERE WE GO". સેલિબ્રિટીઝથી લઈને ફેન્સ સુધી દરેક વ્યક્તિ તેમની ક્રિએટિવિટી અને ડેરિંગ ટ્રાન્સફોર્મેશનના વખાણ કરી રહ્યા છે.
હેઇદીને 'ક્વીન ઓફ હેલોવીન' શા માટે કહેવામાં આવે છે? કારણ કે તેઓ વર્ષોથી હેલોવીન માટે મહિનાઓ અગાઉથી જ ઝીણવટભરી તૈયારી કરે છે, જેમાં જાયન્ટ પ્રોસ્થેટિક્સ, મેકઅપ અને ખાસ ઇફેક્ટ્સનો સમાવેશ થાય છે.
બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ હેલોવીનની ઉજવણીમાં પાછળ નથી. પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં પરિવાર સાથે હેલોવીન મનાવ્યું હતું. તેમણે કાઇલી જેનરના 'કિંગ કાઇલી' પર્સનાથી પ્રેરિત પિંક વિગ અને લુક અપનાવ્યો હતો, જ્યારે પતિ નિક જોનસ કૌબોય અને દીકરી માલતી મેરી 'ઘોસ્ટ પ્રિન્સેસ' બનીને ટ્રીક-ઓર-ટ્રીટિંગની મજા માણતા નજરે પડ્યા હતા. પ્રિયંકાએ આ સિઝનને 'દિવાલોવીન' કહીને દિવાળી અને હેલોવીનની મિક્સ શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્હાન્વી કપૂરે તેમની દિવંગત માતા શ્રીદેવીની ફિલ્મ 'નાગિન'ના પાત્રને ફરી જીવંત કરીને ચાહકોને નોસ્ટાલજિક ભેટ આપી હતી. ગુલાબી ડ્રેસમાં તેમણે શ્રીદેવીની જેમ અંદાજ અપનાવ્યો હતો. તેમની સાથે ઓરી પણ રિશી કપૂરના અંદાજમાં નજરે પડ્યો હતો.
ખુશી કપૂરે 'વન્ડર વુમન'નો ગ્લેમરસ સુપરહીરો અવતાર ધારણ કર્યો હતો, જેને ફેન્સે ખૂબ પસંદ કર્યો છે. ઓરીએ ભારતીય હોરર ફિલ્મ 'તુમ્બાડ'ના પાત્ર 'હસ્તર'નો લુક અપનાવીને સૌને ચોંકાવી દીધા હતા.