અમેરિકામાં વેટરન્સ ડે નિમિત્તે અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક ઘટના સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. રક્ષામંત્રી પીટ હેગસેથને એક સૈનિકે જાહેરમાં શાંતિ અને સન્માન જાળવવાની તાકીદ કરી હતી.
આ ઘટના 'ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર' એટલે કે અજાણ્યા સૈનિકની સમાધિ પાસે બની હતી. વાયરલ વીડિયોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ બાદ હેગસેથ અને તેમની સાથેના લોકો સમાધિ પાસે તસવીરો પડાવતા જોવા મળે છે. આ દરમિયાન હસવા અને વાતચીતના અવાજો આવતાં સેનાના ગાર્ડે બૂમ પાડીને કહ્યું કે, "તમામ મુલાકાતીઓએ હંમેશાં શાંતિ અને સન્માનનું વાતાવરણ જાળવવું જોઈએ."
'ટોમ્બ ઓફ ધ અનનોન સોલ્જર' અમેરિકાનું અત્યંત પવિત્ર સ્મારક છે. અહીં પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ અને કોરિયન યુદ્ધમાં શહીદ થયેલા અજાણ્યા અમેરિકન સૈનિકોને સન્માન આપવામાં આવે છે. ઉપરાંત વિયેતનામ યુદ્ધમાં ગુમ થયેલા અથવા શહીદ થયેલા સૈનિકના સન્માનમાં એક ખાલી સમાધિ પણ બનાવવામાં આવી છે.
આ મામલે પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા શોન પાર્નેલે જણાવ્યું હતું કે હેગસેથ અને તેમનો વિભાગ સૈનિકોના બલિદાનનું હંમેશાં સન્માન કરે છે. તેમણે કહ્યું કે આ ગંભીર દિવસની યાદમાં સૈનિકે યોગ્ય રીતે સૌને મર્યાદા અને સન્માન જાળવવાની યાદ અપાવી હતી.
આ ઘટનાને પગલે વિપક્ષી ડેમોક્રેટ્સે રક્ષામંત્રી પર નિશાન સાધ્યું છે. વિસ્કોન્સિનનાં કોંગ્રેસવુમન ગ્વેન મૂરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પીટ હેગસેથ સતત સાબિત કરી રહ્યા છે કે તેઓ પોતાના પદ માટે યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે મહાભિયોગથી માંડ બચ્યાના બીજા જ દિવસે અજાણ્યા સૈનિકની સમાધિની પવિત્રતાનો અનાદર કરીને તેમણે સૈનિકો પ્રત્યેની ઉપેક્ષા દર્શાવી છે.