ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પહાડી રાજ્યોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં વરસાદની ઘટને કારણે ચિંતા વધી છે.
દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. પૂર્વ ઉત્તર પ્રદેશના ગોંડા, બલરામપુર, બહરાઇચ, લખીમપુર ખીરી અને મહારાજગંજમાં ભારે વરસાદ નોંધાયો છે. અગાઉ બરેલીમાં 141.3 મીમી, બિજનોરમાં 134 મીમી અને મુરાદાબાદમાં 114 મીમી વરસાદ રેકોર્ડ થયો છે.
બિહારમાં ગંગા નદી પટનામાં ભયજનક સપાટી વટાવી ગઈ છે અને અન્ય મુખ્ય નદીઓ પણ જોખમી સ્તરે વહી રહી છે. પટના હવામાન કેન્દ્ર અનુસાર આગામી 24 કલાકમાં મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે વાવાઝોડાની આગાહી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યના અનેક જિલ્લાઓમાં સિઝનનો વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં 88 ટકા, પોરબંદરમાં 73 ટકા, જૂનાગઢ અને જામનગરમાં 61-61 ટકા વરસાદની ઘટ છે. ગીર સોમનાથમાં 40 ટકા અને રાજકોટમાં 34 ટકા ઘટ નોંધાઈ છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં 32 ટકા અને છોટા ઉદેપુરમાં 30 ટકા ઘટ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં 44 ટકા, જ્યારે મહેસાણા અને ગાંધીનગરમાં 27-27 ટકા વરસાદ ઓછો પડ્યો છે. પૂર્વ ગુજરાતમાં દાહોદમાં 45 ટકા ઘટ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વરસાદની ઘટ જોવા મળી છે, જે અલ નીનોની અસરને કારણે છે. દ્વારકામાં આ વખતે માત્ર 6.81 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે પોરબંદરમાં 18 ટકા વરસાદ નોંધાયો છે. આ સ્થિતિથી ખેડૂતો અને સ્થાનિક રહીશો ચિંતિત છે, કારણ કે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ હોય છે.