સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્ટ એટેકની પૂર્વચેતવણી હોઈ શકે છે આ 6 લક્ષણો, જમ્યા પછી કે ચાલતી વખતે દેખાય તો ન કરો અવગણના

હાર્ટ એટેકની પૂર્વચેતવણી હોઈ શકે છે આ 6 લક્ષણો, જમ્યા પછી કે ચાલતી વખતે દેખાય તો ન કરો અવગણના

હૃદય આપણા શરીરનું મહત્ત્વનું અંગ છે, જે આખા શરીરમાં લોહી પહોંચાડે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે શરીરમાં કેટલાક સંકેતો જોવા મળી શકે છે. આ સંકેતો શરૂઆતમાં સામાન્ય લાગે છે, પરંતુ તેમને અવગણવા ન જોઈએ. સમયસર ઓળખાય તો હૃદયની સમસ્યાની વહેલી તપાસ થઈ શકે છે. અહીં હૃદયની નબળાઈ સાથે જોડાયેલા 6 સંભવિત સંકેતો વિશે માહિતી આપવામાં આવી છે.

1. જમ્યા પછી અસામાન્ય થાક: ભોજન કર્યા પછી વારંવાર અસામાન્ય થાક કે સુસ્તી અનુભવાય તો તેના અન્ય કારણો પણ હોઈ શકે. જોકે, સાથે છાતીમાં દુખાવો, દબાણ અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને અવગણવું નહીં. છાતીમાં દુખાવો કે દબાણ અચાનક શરૂ થાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી જરૂરી છે.

2. પગ કે ઘૂંટીમાં સોજો: સાંજના સમયે પગ અથવા પગની ઘૂંટીમાં સોજો દેખાય તો તે હૃદય સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે. આ સ્થિતિને તબીબી ભાષામાં પિટિંગ એડીમા કહેવાય છે. હૃદયની પમ્પ કરવાની ક્ષમતા ઘટે ત્યારે શરીરમાં પ્રવાહી જમા થઈ શકે છે, જેના કારણે પગમાં સોજો આવી શકે છે. જોકે, કિડનીની સમસ્યા કે અન્ય કારણોસર પણ આવું થઈ શકે છે.

3. નીચે નમતી વખતે શ્વાસ ચઢવો: શૂઝ પહેરવા, જમીન પરથી વસ્તુ ઉપાડવા કે નીચે નમતી વખતે શ્વાસ ચઢે તો ધ્યાન આપવું જોઈએ. તબીબી ભાષામાં આ લક્ષણને બેન્ડોપ્નિયા કહેવાય છે. તે કેટલીકવાર હૃદયની કાર્યક્ષમતા ઘટવા સાથે જોડાયેલું હોઈ શકે. આવું વારંવાર થાય તો ડોક્ટરની સલાહ લેવી.

4. પેટ ભરાઈ ગયેલું લાગવું: થોડું ભોજન કર્યા પછી પણ પેટ ભરાઈ ગયેલું લાગે, પેટ ફૂલે અથવા ભારેપણું અનુભવાય તો તેની પાછળ પાચન સંબંધિત કારણો હોઈ શકે. જોકે, હૃદયની કાર્યક્ષમતા ઘટવાથી શરીરમાં પ્રવાહી જમા થાય અને પેટમાં અસ્વસ્થતા કે ભૂખ ઓછી લાગવા જેવી સમસ્યા પણ થઈ શકે. આ લક્ષણો સતત રહે અથવા પગમાં સોજો અને શ્વાસની તકલીફ સાથે જોવા મળે તો તબીબી તપાસ કરાવવી.

5. થોડું ચાલવાથી શ્વાસ ચઢવો: થોડું ચાલવાથી, સીડીઓ ચઢવાથી અથવા રોજિંદાં સામાન્ય કામ કરતી વખતે પણ શ્વાસ ચઢે તો તેને અવગણશો નહીં. હૃદય યોગ્ય રીતે લોહી પંપ ન કરી શકતું હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. જોકે, ફેફસાંની બીમારી, એનિમિયા અને અન્ય કારણોથી પણ આ સમસ્યા થઈ શકે.

6. પૂરતી ઊંઘ પછી પણ થાક: પૂરતી ઊંઘ અને આરામ કર્યા પછી પણ સતત થાક કે નબળાઈ અનુભવાતી હોય તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે. હૃદય શરીરના વિવિધ ભાગોમાં પૂરતું લોહી પહોંચાડવામાં મુશ્કેલી અનુભવે ત્યારે પણ થાક લાગી શકે. જો આ લક્ષણ લાંબા સમય સુધી રહે અથવા સાથે ચક્કર આવવાં, શ્વાસ ચઢવો કે પગમાં સોજો જેવા લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ લક્ષણોનો અર્થ હંમેશાં હૃદય નબળું હોવું એવો નથી. પરંતુ વારંવાર થતો થાક, શ્વાસ ચઢવો, પગમાં સોજો અથવા છાતીમાં અસ્વસ્થતા હોય તો યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. છાતીમાં અચાનક દુખાવો અથવા દબાણ, ગંભીર શ્વાસની તકલીફ, ઠંડો પરસેવો કે બેભાન થવા જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ઇમરજન્સી મદદ લેવી.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ લક્ષણ જણાય તો નિષ્ણાત તબીબની સલાહ લેવી.