ત્રીસ વર્ષની ઉંમર પછી શરીરમાં થતા નાના ફેરફારોને અવગણવા ન જોઈએ. ઘણી બીમારીઓ શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાડતી નથી. સમયાંતરે સામાન્ય હેલ્થ ચેકઅપ કરાવવાથી બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર જેવી સમસ્યાઓ વહેલી તકે પકડાઈ શકે છે.
પણ દરેક વ્યક્તિએ 30 વર્ષે બધા ટેસ્ટ કરાવવા જરૂરી નથી. કયા ટેસ્ટ કરાવવા એ ઉંમર, વજન, જીવનશૈલી, ખાનપાનની આદતો, પરિવારનો મેડિકલ ઇતિહાસ અને પહેલાના રિપોર્ટ પર આધાર રાખે છે. તેથી ડૉક્ટરની સલાહ લઈને ચેકઅપ કરાવવું યોગ્ય છે.
બ્લડ પ્રેશર: હાઈ બ્લડ પ્રેશરમાં શરૂઆતમાં કોઈ સ્પષ્ટ લક્ષણ હોતું નથી. માથું દુખે ત્યારે જ પ્રેશર ચેક કરવું પૂરતું નથી. નિયમિત ચેકઅપ દરમિયાન પ્રેશર માપવાથી સ્થિતિ ખબર પડે છે. જો પ્રેશર વધારે આવે તો ડૉક્ટર ફરી તપાસ કરાવવા અથવા ઘરે થોડા સમય પ્રેશર મોનિટર કરવાની સલાહ આપે છે.
કોલેસ્ટ્રોલ: શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે કે નહીં તે માત્ર ટેસ્ટથી જ ખબર પડે છે, કારણ કે હાઈ કોલેસ્ટ્રોલમાં સામાન્ય રીતે લક્ષણ દેખાતા નથી. લિપિડ પ્રોફાઇલ નામના બ્લડ ટેસ્ટથી કોલેસ્ટ્રોલની સ્થિતિ જાણી શકાય છે. સ્વસ્થ વ્યક્તિએ કેટલા સમયે ટેસ્ટ કરાવવો એ ઉંમર અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. પરિવારમાં હૃદયરોગ કે હાઈ કોલેસ્ટ્રોલનો ઇતિહાસ હોય, ડાયાબિટીસ હોય કે બીજા જોખમ હોય તો ડૉક્ટર વારંવાર ટેસ્ટ કરાવવા કહે છે.
બ્લડ સુગર અને HbA1c: બ્લડ સુગર ટેસ્ટથી હાલમાં ગ્લુકોઝનું પ્રમાણ ખબર પડે છે, જ્યારે HbA1c ટેસ્ટ છેલ્લા બે-ત્રણ મહિનાની સરેરાશ સુગર જણાવે છે. દરેક 30 વર્ષના વ્યક્તિ માટે ડાયાબિટીસની તપાસ ફરજિયાત નથી. પણ પરિવારનો ઇતિહાસ, વધારે વજન કે મેદસ્વિતા હોય તો ડૉક્ટર વહેલી ઉંમરે સુગર ટેસ્ટ કરાવવા સલાહ આપે છે.
વજન, BMI અને કમરનો ઘેરાવો: ફક્ત વજન જોઈને સંપૂર્ણ સ્વાસ્થ્ય નક્કી ન થાય. ઊંચાઈ અને વજન પરથી BMI ગણીને વજન સામાન્ય શ્રેણીમાં છે કે નહીં તેનો અંદાજ મળે છે. કમરનો ઘેરાવો પણ મહત્વનો છે. પેટની આસપાસ વધારે ચરબી હોવાથી કેટલાક સ્વાસ્થ્ય જોખમ વધે છે. અચાનક વજન વધે, ઝડપથી વજન ઘટે કે શરીરમાં સતત અસામાન્ય ફેરફાર દેખાય તો ડૉક્ટરની સલાહ લેવી.
30 વર્ષની ઉંમરે દરેક વ્યક્તિએ ECG, ફુલ-બોડી સ્કેન કે બીજા બધા ટેસ્ટ કરાવવાની જરૂર હોતી નથી. કયા ટેસ્ટ જરૂરી છે તે લક્ષણો, ઉંમર, પરિવારના મેડિકલ ઇતિહાસ અને બીજા જોખમ પરથી નક્કી થાય છે. તેથી જરૂર ન હોય તેવા મોંઘા ટેસ્ટ કરાવવાને બદલે ડૉક્ટર સાથે વાત કરીને પોતાના માટે જરૂરી ચેકઅપની યાદી બનાવવી વધુ યોગ્ય છે.
નિયમિત હેલ્થ ચેકઅપનો હેતુ ફક્ત બીમારી શોધવાનો નથી, પણ ભવિષ્યમાં ઊભા થઈ શકે તેવા સ્વાસ્થ્ય જોખમો સમયસર ઓળખવાનો પણ છે.
(અસ્વીકરણ: આ લેખ ફક્ત જાણકારી માટે છે. તેનો ઉપયોગ કરતા પહેલા તમારા તબીબ અથવા નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.)