સત્ય. સાહસ. સંકલ્પ.

HDFC બેંકે FD પર વ્યાજ દર વધાર્યા, સિનિયર સિટીઝનને 7.20% સુધીનું વળતર

HDFC બેંકે FD પર વ્યાજ દર વધાર્યા, સિનિયર સિટીઝનને 7.20% સુધીનું વળતર

જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. HDFC બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દર 4 નવેમ્બર 2026થી અમલમાં આવ્યા છે. આ વધારો ટૂંકાગાળાથી લઈને લાંબાગાળાની એફડી પર લાગુ થશે, જેમાં સિનિયર સિટીઝન માટે વધુ ઊંચા દરની જોગવાઈ છે.

બેંકે 61 દિવસથી લઈને 6 મહિના સુધીની એફડી પર વ્યાજ દર 4.25%થી વધારીને 4.75% કર્યો છે. 6 મહિના એક દિવસથી લઈને 9 મહિના સુધીની એફડી પર 15 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે, હવે 5.65% વ્યાજ મળશે. 9 મહિના એક દિવસથી લઈને એક વર્ષથી ઓછી એફડી પર 5.90% વ્યાજ દર થયો છે.

એક વર્ષથી લઈને 15 મહિનાથી ઓછી એફડી પર 6.25% વ્યાજ મળશે. 15 મહિનાથી લઈને 18 મહિનાથી ઓછી એફડી પર 6.35% વ્યાજ દર લાગુ થશે. ત્રણ વર્ષ એક દિવસથી લઈને ચાર વર્ષ સાત મહિનાથી ઓછી એફડી પર 6.60% વ્યાજ મળશે. તેમજ ચાર વર્ષ સાત મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની થાપણ પર પણ 6.60% વ્યાજ દર લાગુ થશે.

સિનિયર સિટીઝન માટે બેંકે વધારાનો લાભ આપ્યો છે. હવે સિનિયર સિટીઝન HDFC બેંકમાં એફડી પર 7.20% સુધીનું વ્યાજ મેળવી શકશે. આ દર ત્રણ વર્ષ એક દિવસથી લઈને ચાર વર્ષ સાત મહિનાથી ઓછી થાપણ પર મળશે. ચાર વર્ષ સાત મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની થાપણ પર પણ 7.20% વ્યાજ દર મળશે.

ઉદાહરણ તરીકે, 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ 10 લાખ રૂપિયાની એફડી 5 વર્ષ માટે કરે તો તેને વાર્ષિક 6.60% વ્યાજ મળશે. પાંચ વર્ષ પછી તેની રકમ 13,87,227 રૂપિયા થશે, જેમાં 3,87,227 રૂપિયા વ્યાજનો સમાવેશ છે. જ્યારે સિનિયર સિટીઝન 10 લાખ રૂપિયાની એફડી 5 વર્ષ માટે કરે તો 7.20% વ્યાજ દરે તેમની રકમ 14,28,748 રૂપિયા થશે, જેમાં 4,28,748 રૂપિયા વ્યાજ આવક છે.

અન્ય બેંકો પણ સામાન્ય રોકાણકારોની સરખામણીમાં સિનિયર સિટીઝનને વધુ વ્યાજ ઓફર કરે છે. એફડીમાં રોકાણ કરતા પહેલાં દરેક બેંકના વ્યાજ દરોની સરખામણી કરવી અને શરતો વાંચવી ઉચિત છે.