દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના બે વરિષ્ઠ અધિકારીઓ પર વ્યવસાયિક ગુપ્ત માહિતી (બિઝનેસ સિક્રેટ્સ) લીક કરવાનો આરોપ લાગ્યો છે. બેંકે આ મામલે તપાસ શરૂ કરી છે. બંને અધિકારીઓ બેંકના મહત્વના વિભાગોના વડા છે.
હાલ તપાસમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે લીક થયેલી માહિતીનો કોઈ ખોટો ઉપયોગ થયો છે કે નહીં. તપાસ પૂરી થયા બાદ જ અધિકારીઓ સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.
HDFC બેંકના પ્રવક્તાએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે. બેંકે અધિકારીઓનાં નામ અથવા તપાસમાં શું બહાર આવ્યું છે તે અંગે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. બેંકનું કહેવું છે કે તપાસ પૂરી થતાં જ રિપોર્ટના આધારે જરૂરી પગલાં લેવાશે અને ઈમાનદારીથી કામ કરવાના નિયમો સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.
આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે 27 ઓક્ટોબરે અનુપ બાગચી HDFC બેંકના નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે કમાન સંભાળશે. ICICI બેંકમાં લાંબો અનુભવ ધરાવતા અનુપ બાગચી HDFC બેંકનું સુકાન સંભાળનારા પ્રથમ બહારના અધિકારી હશે. બેંકના વરિષ્ઠ અધિકારીઓ પર લાગેલા આરોપો અને ચાલી રહેલી ઉથલપાથલને કારણે તેમના શરૂઆતના દિવસો પડકારજનક રહી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકની અંદરની ખેંચતાણ જાહેરમાં સામે આવી રહી છે. આ વર્ષે માર્ચમાં બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીએ અચાનક રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે બેંકની કાર્યપદ્ધતિઓ તેમના સિદ્ધાંતો સાથે મેળ ખાતી નથી. જોકે, બેંકની તપાસમાં તેમના આરોપોમાં કોઈ સચ્ચાઈ મળી નહોતી.
હાલના CEO શશિધર જગદીશને છ વર્ષ કામ કર્યા બાદ આગળ આ પદ પર ન રહેવાનો અચાનક નિર્ણય લીધો હતો, ત્યારબાદ નવા CEOની શોધ શરૂ થઈ હતી. બેંકના લાંબા સમયથી કાર્યરત વરિષ્ઠ અધિકારી અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરુચાએ પણ ડિસેમ્બરમાં પદ છોડવાનો નિર્ણય લીધો છે.
1994માં શરૂ થયેલી HDFC બેંકની કુલ કિંમત લગભગ 10.86 લાખ કરોડ રૂપિયા છે. જોકે, આંતરિક વિવાદો અને વરિષ્ઠ અધિકારીઓના રાજીનામાને કારણે આ વર્ષે તેના શેરના ભાવમાં લગભગ 28%નો ઘટાડો થઈ ચૂક્યો છે.