સત્ય. સાહસ. સંકલ્પ.

HDFC બેંકે લોનના MCLR દરોમાં કાપ મૂક્યો, EMI પર શું અસર થશે?

HDFC બેંકે લોનના MCLR દરોમાં કાપ મૂક્યો, EMI પર શું અસર થશે?

તહેવારોની સિઝન પહેલા HDFC બેંકે પોતાના ગ્રાહકોને રાહત આપતો નિર્ણય લીધો છે. દેશની અગ્રણી ખાનગી બેંકે વિવિધ મુદતની લોન પરના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR) માં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ (bps) નો કાપ મૂક્યો છે. આ નિર્ણય 7 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવ્યો છે, જેનાથી MCLR સાથે જોડાયેલી લોન ધરાવતા ગ્રાહકોના વ્યાજનો બોજ ઘટવાની અપેક્ષા છે.

બેંકે જાહેર કરેલા નવા દરો અનુસાર, ઓવરનાઈટ MCLR 8% થી ઘટીને 7.90% થયો છે, જ્યારે 1 મહિનાનો દર પણ 7.90% પર આવી ગયો છે. 3 મહિનાનો દર 8.15% થી ઘટીને 8.05% થયો છે. 6 મહિનાનો MCLR 8.30% થી ઘટીને 8.25% અને 1 વર્ષનો MCLR 8.40% થી ઘટીને 8.35% થયો છે. 2 વર્ષનો દર 8.55% થી ઘટીને 8.45% અને 3 વર્ષનો દર 8.65% થી ઘટીને 8.60% થયો છે. આમ, હવે MCLR દરો 7.90% થી 8.60% ની વચ્ચે છે.

જોકે, ગ્રાહકોએ નોંધવું જોઈએ કે આ ઘટાડાનો લાભ તરત જ EMI માં દેખાશે નહીં. લોનના દરમાં ફેરફાર લોનની 'રીસેટ તારીખ' પર જ લાગુ થશે. આ ઉપરાંત, બેંકનું માર્જિન અને લોન કરારની શરતો પણ અંતિમ દર નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે. જે ગ્રાહકોની લોન MCLR સાથે લિંક નથી, તેમના પર આ ફેરફારની સીધી અસર થશે નહીં. નવી લોન લેનારાઓ માટે અંતિમ વ્યાજ દર તેમની ક્રેડિટ પ્રોફાઇલ અને લોનના પ્રકાર પર નિર્ભર રહેશે.

MCLR એ ભારતીય રિઝર્વ બેંકે 2016 માં રજૂ કરેલી સિસ્ટમ છે, જે બેંકના ભંડોળના ખર્ચ પર આધારિત લઘુત્તમ વ્યાજ દર છે. હાલમાં HDFC બેંકનો બેઝ રેટ 8.70% અને BPLR 17.20% છે. થાપણદારો માટે FD દરોમાં કોઈ ફેરફાર થયો નથી; સામાન્ય ગ્રાહકોને 2.75% થી 6.50% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% થી 7% સુધીનું વ્યાજ મળી રહ્યું છે.