સત્ય. સાહસ. સંકલ્પ.

ઝારખંડમાં દર્દનાક અકસ્માત: અંતિમ સંસ્કાર માટે વારાણસી જઈ રહેલા 7 લોકોના મોત, 14 ગંભીર ઈજાગ્રસ્ત

ઝારખંડમાં દર્દનાક અકસ્માત: અંતિમ સંસ્કાર માટે વારાણસી જઈ રહેલા 7 લોકોના મોત, 14 ગંભીર ઈજાગ્રસ્ત

ઝારખંડના હજારીબાગ જિલ્લાના ચોપારાન વિસ્તારમાં દાનુઆ ઘાટી રોડ પર 9 નવેમ્બર 2026ના રોજ એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બગોદર વિસ્તારના બિહારોટાંડ ગામથી એક સ્વજનના અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈને વારાણસી જઈ રહેલી પેસેન્જર ગાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ભયંકર ટક્કર મારી હતી.

આ ગોઝારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 14 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બધા લોકો એક જ વાહનમાં મૃતદેહને લઈને વારાણસી જઈ રહ્યા હતા ત્યારે દાનુઆ ઘાટી પાસે કેટલાક મુસાફરોને શૌચક્રિયા માટે ઊતરવું પડ્યું હોવાથી ચાલકે ગાડીને રોડ કિનારે ઊભી રાખી હતી.

આ દરમિયાન પાછળથી આવતા હાઈસ્પીડ ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી, જેનાથી સ્થળ પર જ ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચોપારાન નાગરિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલત ધરાવતા 14 દર્દીઓને વધુ સારવાર માટે હજારીબાગની શેખ ભીખારી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.