સત્ય. સાહસ. સંકલ્પ.

હસન નવાઝનું ભારતીય બોલરો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ

હસન નવાઝનું ભારતીય બોલરો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ

પાકિસ્તાનના યુવા બેટર હસન નવાઝનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. એશિયન ગેમ્સની ફાઇનલ મેચ પહેલાં રેકોર્ડ થયેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે ભારતીય બોલરો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે.

આ ઇન્ટરવ્યૂ પાકિસ્તાની પત્રકાર કાદિર ખ્વાજા સાથેનો હતો. તેમાં હસન નવાઝને પૂછવામાં આવ્યું હતું કે તેઓ વિશ્વના કયા બોલર સામે આક્રમક બેટિંગ કરવાનું પસંદ કરશે. જવાબમાં તેમણે કોઈ ખેલાડીનું નામ આપવાને બદલે ટીમ ઇન્ડિયાને નિશાન બનાવીને કહ્યું હતું, "ઇન્ડિયાની ટીમ સામે અમે ચોક્કસ વિચારીએ છીએ કે આ બોલરને ટાર્ગેટ કરવો છે. તેમના દરેક બોલર પ્રત્યે નફરત છે, સીધી વાત છે."

ખેલભાવનાથી વિપરીત ગણાય તેવા આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં ભારતીય ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝર્સે તેની ટીકા કરી છે અને રમતના મેદાન પર આવી ભાષા યોગ્ય ન હોવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં હસન નવાઝે ભારતીય બોલિંગ સામે આક્રમક બેટિંગ કરી હતી. તેમણે 51 બોલમાં 96 રનની ઇનિંગ રમી હતી. પરંતુ પાકિસ્તાનના બીજા સર્વોચ્ચ સ્કોરરે માત્ર 29 રન બનાવ્યા હતા. અંતે પાકિસ્તાનને 19 રને હાર મળી હતી અને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેચ બાદ યુઝર્સે હસન નવાઝનો આ જૂનો વીડિયો ફરી શેર કરવાનું શરૂ કર્યું. રમતગમતના મંચ પર નફરતભર્યા શબ્દોના પ્રયોગ બદલ તેની ટીકા થઈ રહી છે. અનેક ક્રિકેટ સમીક્ષકોનું માનવું છે કે વ્યાવસાયિક ખેલાડીઓએ મેદાનની બહાર પણ ભાષાની મર્યાદા જાળવવી જોઈએ.