હોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા રહી ચૂકેલા હાર્વે વીનસ્ટીનને ન્યૂયોર્કની અદાલતે મંગળવારે 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમને રિયાલિટી ટીવી શો 'પ્રોજેક્ટ રનવે'ની પ્રોડક્શન ટીમની આસિસ્ટન્ટ મિરિયમ હેલી સાથે સંબંધિત યૌન અપરાધમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 2025માં થયેલી પુનઃસુનાવણીમાં દોષી ઠર્યા બાદ આ સજા આપવામાં આવી છે.
અભિયોજન પક્ષે 20 વર્ષની જેલ અને મુક્તિ બાદ 5 વર્ષ સુધી દેખરેખની માંગ કરી હતી. બચાવ પક્ષે વીનસ્ટીનની સ્વાસ્થ્ય સમસ્યાઓનો હવાલો આપીને 9 વર્ષની સજાની વિનંતી કરી હતી. કોર્ટે 15 વર્ષની જેલ ઉપરાંત 5 વર્ષની પોસ્ટ-રિલીઝ સુપરવિઝનની સજા ફટકારી છે અને તેમને જાતીય અપરાધી તરીકે નોંધણી કરવાનો આદેશ આપ્યો છે. વીનસ્ટીન 2020થી જેલમાં છે.
અદાલતમાં વીનસ્ટીને કહ્યું, 'હું પરફેક્ટ માણસ નથી. પણ હું એવો માણસ છું જેણે ભૂલો કરી છે.' તેમણે કહ્યું કે 2017 પછીની ઘટનાઓ પર વિચારતાં સમજાયું કે તેમના જૂના વર્તનથી બીજા લોકો પર ખરાબ અસર પડી હતી. તેમણે એવા લોકોની માફી માંગી જેમને તેમના કૃત્યોથી દુઃખ પહોંચ્યું હશે. જોકે, તેમણે પોતાની નિર્દોષતા ફરી દોહરાવી અને કહ્યું કે તે હિંસક વ્યક્તિ નથી.
જજ કર્ટિસ ફાર્બરે કહ્યું, 'વીનસ્ટીનને તેમની ફિલ્મો માટે યાદ કરવામાં આવે, પણ મિરિયમ હેલી સાથે તેમણે જે કર્યું તેની સામે એ કામ નાનું પડી જાય છે.' ન્યાયાધીશે કહ્યું કે વીનસ્ટીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના હેલીના સપનાનો ફાયદો ઉઠાવ્યો.
2025ની પુનઃસુનાવણીમાં મિરિયમ હેલીએ જુબાની આપી હતી. તેમણે જણાવ્યું કે 2006માં વીનસ્ટીને મેનહટનના પોતાના એપાર્ટમેન્ટમાં તેમને ઓરલ સેક્સ માટે મજબૂર કર્યા હતા અને તેમણે વિરોધ કર્યો હતો. સજા સંભળાવવામાં આવે તે પહેલાં હેલીએ કહ્યું કે ફરીથી જુબાની આપવી તેમના માટે અત્યંત મુશ્કેલ હતું. ફિનલેન્ડમાં જન્મેલી અને સ્વીડનમાં ઉછરેલી હેલી હાલ જાહેરાત ક્ષેત્રે કાર્યરત છે.
2020માં પણ વીનસ્ટીનને ન્યૂયોર્કમાં યૌન અપરાધ અને દુષ્કર્મના કેસમાં દોષી ઠેરવીને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે 2024માં ન્યૂયોર્કની સર્વોચ્ચ અદાલતે તેમની દોષસિદ્ધિ રદ કરી અને નવી સુનાવણીનો આદેશ આપ્યો. કોર્ટે માન્યું કે સુનાવણીમાં એવા આરોપોની જુબાની સામેલ કરાઈ હતી જે કેસ સાથે સીધી રીતે સંબંધિત નહોતી.
2025ની નવી સુનાવણીમાં મિરિયમ હેલી સાથે સંબંધિત આરોપમાં વીનસ્ટીન ફરી દોષી ઠર્યા, જ્યારે કાજા સોકોલા સાથેના આરોપમાં નિર્દોષ જાહેર થયા. જેસિકા માન સાથેના દુષ્કર્મના આરોપ અંગે જ્યુરી કોઈ નિર્ણય પર પહોંચી શકી નહોતી. 2026માં આ આરોપ અંગે ત્રીજી સુનાવણી થઈ, પણ જ્યુરી ફરી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી, ત્યારબાદ અભિયોજન પક્ષે આરોપ પડતો મૂક્યો. પૂર્વ અમેરિકન અભિનેત્રી જેસિકા માન વીનસ્ટીન પર દુષ્કર્મ અને યૌન ઉત્પીડનનો આરોપ મૂકનારી પ્રમુખ મહિલાઓમાંની એક છે.
વીનસ્ટીનને કેલિફોર્નિયામાં પણ 16 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. 2013માં એક મહિલા સાથે દુષ્કર્મ અને યૌન હુમલાના કેસમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કેલિફોર્નિયામાં તેમની સજા અંગે પણ કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. ન્યૂયોર્કના જજે કહ્યું કે ન્યૂયોર્કની સજા કેલિફોર્નિયાની સજા પછી ચાલુ રહી શકે છે, પણ કેલિફોર્નિયામાં તેમની કાનૂની સ્થિતિ ત્યાંની અદાલત નક્કી કરશે.
2017માં વીનસ્ટીન પર અનેક મહિલાઓએ જાતીય ઉત્પીડન અને શોષણના આરોપ લગાવ્યા હતા. આ ખુલાસાઓ બાદ #MeToo આંદોલનને વિશ્વભરમાં મોટી ગતિ મળી. #MeTooની શરૂઆત 2006માં કાર્યકર તરાના બર્કે કરી હતી, પણ 2017માં અભિનેત્રી એલિસા મિલાનોની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આ હેશટેગ ઝડપથી વાયરલ થયો.
ભારતમાં 2018માં #MeToo આંદોલન દરમિયાન મહિલાઓએ અનેક કલાકારો પર અલગ-અલગ પ્રકારના આરોપ લગાવ્યા હતા. આ આંદોલનને અભિનેત્રી તનુશ્રી દત્તાના આરોપો બાદ મોટો વેગ મળ્યો હતો. તેણે અભિનેતા નાના પાટેકર પર 2008માં ફિલ્મ 'હૉર્ન ઓકે પ્લીઝ'ના શૂટિંગ દરમિયાન થયેલી ઘટનાનો આરોપ મૂક્યો હતો.