મહેસાણા જિલ્લાના રણાસણમાં શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારા સંતાનો સામે કડક નિવેદન આપ્યું છે.
બહુચર પાટીદાર વાડીના દાતાઓના સન્માન સમારંભમાં બોલતા હર્ષ સંઘવીએ કહ્યું કે સમાજમાં કેટલીક વખત કડક સામાજિક નિયમો દ્વારા મોટો બદલાવ લાવવો જરૂરી બને છે. તેમણે કહ્યું કે આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને મોટા કરનારા માતા-પિતાને જો સંતાન વૃદ્ધાશ્રમમાં મોકલે, તો તેવા સંતાનને ગામના કોઈપણ પ્રસંગમાં ન બોલાવવા અને તેની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવાનું આહ્વાન તેમણે કર્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે આવા નિર્ણયો લેવાથી બે-પાંચ ઘરો પણ ભેગા થઈ શકે તો તેનાથી મોટું ધર્મનું કામ બીજું કોઈ નહીં હોય.
આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લાના મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર પ્રભુના દર્શન કર્યા હતા. મહુડી આવેલા દર્શનાર્થીઓ અને નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી તેમણે રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને નાગરિકોનું જીવન સુખી બને તેવી પ્રાર્થના કરી હતી.