સત્ય. સાહસ. સંકલ્પ.

વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવાની હર્ષ સંઘવીની અપીલ

વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનાર સંતાનોનો સામાજિક બહિષ્કાર કરવાની હર્ષ સંઘવીની અપીલ

મહેસાણા જિલ્લાના રણાસણ ખાતે શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજને સંબોધિત કરતાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનાર સંતાનો સામે આકરું વલણ અપનાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જે સંતાનો આખી જિંદગી મહેનત કરીને ઉછેર કરનાર માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેવા સંતાનોને સમાજના કોઈપણ પ્રસંગમાં આમંત્રણ આપવું જોઈએ નહીં.

બહુચર પાટીદાર વાડીના દાતાઓના સન્માન સમારંભમાં બોલતા સંઘવીએ કહ્યું કે સમાજમાં કેટલાક કડક નિયમોની જરૂર છે, જેનાથી મોટો બદલાવ આવી શકે. તેમણે લોકોને અપીલ કરી કે જે સંતાનો પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેમને ગામના કોઈપણ પ્રસંગમાં ન બોલાવવા અને તેમની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન રાખવો. આવા નિર્ણયોથી બે-પાંચ ઘરો પણ ભેગા થાય તો તેનાથી મોટું ધર્મનું કામ બીજું કોઈ ન હોવાની તેમણે વાત કરી.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ બાળકોને મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી દૂર રાખવાની અને પરિવાર સાથે સમય વિતાવવા, પરંપરાગત મૂલ્યો જાળવવા તથા સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સમાજને વાડીની જાળવણી કરવા, સ્વચ્છતા જાળવવા અને સામૂહિક સામાજિક કલ્યાણ માટે આગળ આવવાની અપીલ કરી હતી.