સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રિકેટમાં દુર્લભ રેકોર્ડ: ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100 રન ફટકારનાર ફક્ત બે ખેલાડી

ક્રિકેટમાં દુર્લભ રેકોર્ડ: ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100 રન ફટકારનાર ફક્ત બે ખેલાડી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરરોજ નવા રેકોર્ડ બનતા હોય છે, પરંતુ કેટલાક રેકોર્ડ એવા હોય છે જે ક્રિકેટના ઇતિહાસમાં કાયમ માટે નોંધાઈ જાય છે. કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારવી એ મોટી સિદ્ધિ છે, પરંતુ જો કોઈ બેટ્સમેન ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100 રનનો આંકડો પાર કરે તો તેને મહાન ગણવામાં આવે છે.

ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ ખેલાડીઓ આ મુકામ સુધી પહોંચી શક્યા છે. હવે ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રૂકનું નામ પણ આ સૂચિમાં જોડાઈ ગયું છે. તેણે તાજેતરમાં પોતાની બેટિંગથી દુનિયાભરના ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં છે.

22 ઓક્ટોબર 2026ના રોજ હેરી બ્રૂકે શ્રીલંકા સામેની વનડે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 116 બોલમાં 202 રન ફટકાર્યા હતા. આ આક્રમક ઇનિંગ દરમિયાન તેણે 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે એક મોટો વિશ્વવિક્રમ પોતાના નામે કરી લીધો હતો અને ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

હેરી બ્રૂકે આ મેચમાં 114 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે તે વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતના યુવા સ્ટાર શુભમન ગિલના નામે હતો. ગિલે 117 બોલમાં બેવડી સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી, જે હવે બ્રૂકે તોડી નાખ્યો છે.

આ ઉપરાંત હેરી બ્રૂક ઇંગ્લેન્ડ માટે પણ નવો ઇતિહાસ રચવામાં સફળ રહ્યો છે. વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર તે ઇંગ્લેન્ડનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યો છે.

હેરી બ્રૂકની બેટિંગની તાકાત માત્ર વનડે પૂરતી મર્યાદિત નથી. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે મોટું પરાક્રમ કરી ચૂક્યો છે. ઓક્ટોબર 2024માં તેણે પાકિસ્તાન સામે ભયંકર બેટિંગ કરી હતી. મુલતાનના મેદાન પર રમાયેલી તે ટેસ્ટ મેચમાં બ્રૂકે માત્ર 322 બોલમાં 317 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તે સમયે તેની આક્રમક રમત જોઈને પાકિસ્તાનના દિગ્ગજ બોલરો પણ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તે મેચમાં હેરી બ્રૂકે પોતાના સાથી ખેલાડી જો રૂટ સાથે મળીને 454 રનની વિશાળ ભાગીદારી પણ નોંધાવી હતી. હવે વનડેમાં બેવડી સદી ફટકારીને તેણે સાબિત કરી દીધું છે કે તે લાંબી રેસનો ઘોડો છે.

ટેસ્ટમાં ત્રેવડી સદી, વનડેમાં બેવડી સદી અને T20માં સદી ફટકારવાનો આ દુર્લભ રેકોર્ડ આ પહેલાં માત્ર વેસ્ટ ઇન્ડીઝના 'યુનિવર્સ બોસ' તરીકે ઓળખાતા ક્રિસ ગેલના નામે હતો. ગેલે વર્ષ 2005માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં 317 રન અને વર્ષ 2010માં શ્રીલંકા સામે 333 રન બનાવ્યા હતા. જ્યારે 2015ના વનડે વર્લ્ડ કપમાં તેણે ઝિમ્બાબ્વે સામે 215 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ક્રિસ ગેલ સદી ફટકારી ચૂક્યો છે. હવે આ ખાસ ક્લબમાં હેરી બ્રૂકની એન્ટ્રી થતાં ક્રિકેટ જગતમાં આ બંને દિગ્ગજ ખેલાડીઓની સિદ્ધિઓની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે.

હેરી બ્રૂકે ટેસ્ટમાં 300, વનડેમાં 200 અને T20માં 100 રનનો આંકડો પાર કરીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ક્રિકેટ ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બન્યો છે.