શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડના હેરી બ્રૂકે 49 બોલમાં અણનમ 114 રન ફટકારીને મેચનો ચહેરો બદલી નાખ્યો. તેમની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા.
મેચની પાંચમી ઓવરમાં બ્રૂકે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગેની એક જ ઓવરમાં 30 રન ઝૂડી કાઢ્યા. તેમણે પહેલા બોલ પર મિડ-ઓન તરફ છગ્ગો ફટકાર્યો, ત્યારબાદ બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગા જડ્યા. ચોથા અને પાંચમા બોલ પર પણ છગ્ગા ફટકાર્યા અને છેલ્લા બોલ પર ચોગ્ગો મારીને ઓવર પૂરી કરી. આ તોફાની બેટિંગના કારણે બ્રૂકે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી.
બ્રૂકની આ ધમાકેદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 254 રનનો મોટો સ્કોર બનાવ્યો. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે પણ આક્રમક બેટિંગ કરી અને 44 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા. વિલ જેક્સે 21 રન, એન્યુરિન ડોનાલ્ડે 12 રન અને ટૉમ બેન્ટને 10 રનનું યોગદાન આપ્યું.
254 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં માત્ર 135 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકા તરફથી આઠમાં નંબરે બેટિંગ કરવા આવેલા દુનિથ વેલ્લાલગેએ સૌથી વધુ 37 રન બનાવ્યા, જ્યારે અન્ય કોઈ બેટ્સમેન ખાસ દેખાવ કરી શક્યો નહીં. ઇંગ્લેન્ડ માટે સની બેકરે 3 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી. લિયામ ડોસને અને જેમી ઓવરટને 2-2 વિકેટ મેળવી, જ્યારે જોશ ટંગ, વિલ જેક્સ અને આદિલ રશીદને 1-1 વિકેટ મળી. અંતે ઇંગ્લેન્ડે આ મુકાબલો 119 રનના મોટા અંતરથી જીતી લીધો.