લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર હેરી બોક્સરને અમેરિકન એજન્સી ICEએ કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લીધો છે. હેરી બોક્સર અમેરિકામાં રહીને ગેંગની પ્રવૃત્તિઓ ચલાવતો હતો અને તેના વિરુદ્ધ હત્યા અને ખંડણી સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે.
હેરીએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબારની જવાબદારી લીધી હતી. તે ઉપરાંત સલમાન ખાન અને કપિલ શર્મા સહિતની બોલિવૂડ હસ્તીઓને ધમકી આપવાનો આરોપ પણ તેના પર છે.
આ પહેલાં ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાને પણ અમેરિકામાં કસ્ટડીમાં લેવાયા હતા. આ બંને ભારતના અનેક ગુનાહિત કેસોમાં વોન્ટેડ છે.
હેરી બોક્સર પર રણવીર સિંહ અને ગુરુ રંધાવાને પણ ધમકી આપવાનો આરોપ છે. મીડિયા અહેવાલો અનુસાર, હેરીએ રણવીરના મેનેજરને વૉઇસ નોટ મોકલીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને રકમ નહીં આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબી સિંગર ગુરુ રંધાવાને પણ ધમકી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત ઑડિયો મુજબ, સલમાન ખાન સાથેની નિકટતાના કારણે ગુરુ રંધાવાના દિલ્હીસ્થિત જિમ પર ગોળીબાર કરાવવામાં આવ્યો હતો. કોમેડિયન કપિલ શર્મા પણ ગેંગના નિશાના પર છે, અને કેનેડામાં તેના કૅફે પર ગોળીબાર થઈ ચૂક્યો છે.
આ ઉપરાંત, 'ગોલમાલ' ફેમ અભિનેતા તુષાર કપૂરને હેરી બોક્સરના નામે ફોન કરીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી IANSના જણાવા મુજબ, તુષારે આ અંગે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તપાસ એન્ટી-એક્સટોર્શન સેલ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમે કૉલનું રેકોર્ડિંગ હેરી બોક્સરના સત્તાવાર ઑડિયો સૅમ્પલ સાથે સરખાવ્યું, પરંતુ પોલીસ અધિકારીઓના જણાવા મુજબ બંને અવાજો મળતા નથી.