ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબહેન પટેલના પુત્ર હરિકેશ પ્રણવ પટેલની ગુજરાત ATSએ નકલી પાસપર્ટ બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ATSને બાતમી મળી હતી કે હરિકેશ પટેલે નકલી પાસપર્ટ બનાવ્યો છે. આ બાતમીના આધારે ATSએ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી.
પૂછપરછમાં સામે આવ્યું કે હરિકેશ પટેલ 2023ના EDના મની લોન્ડ્રિંગ કેસમાં સંડોવાયેલો હતો. તે કેસમાં તેનો પાસપર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. પટેલને આગોતરા જામીન મળ્યા હતા, પરંતુ બાદમાં EDએ જામીન રદ કરાવ્યા હતા. જોકે, ગુજરાતનો પાસપર્ટ હોવા છતાં તેને નકલી પાસપર્ટ બનાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
તપાસ અનુસાર, હરિકેશ પટેલે દુબઈના એક મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટને 25 લાખ રૂપિયા આપીને આગ્રામાં ભાડે રહેતો હોવાનો ખોટો કરાર કર્યો હતો. બાદમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી. આ ખોટી ફરિયાદ અને ખોટા ભાડા કરારના આધારે ગાઝિયાબાદ RPO કચેરીમાં નવા પાસપર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપર્ટ મેળવ્યો હતો.
નવો પાસપર્ટ મેળવ્યા બાદ હરિકેશ પટેલ ભૂતાન અને નેપાળ જતો હતો. ત્યાંથી બેંગકોક, દુબઈ, સિંગાપોર સહિતના દેશોમાં ફરવા જતો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં પણ રહ્યો હતો. ATSના જણાવ્યા અનુસાર, હરિકેશ પટેલ ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં હતો, ત્યાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેનું શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાન આવેલું છે. તેના નામે ઘણી કંપનીઓ રજિસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક ખોટી કંપનીઓ પણ રજિસ્ટર્ડ છે, જેના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. તેના મ્યુલ એકાઉન્ટ પણ મળી આવ્યા છે, જેની તપાસ ચાલી રહી છે.