સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં એન્ટ્રી, શ્રેયસ અય્યર જ રહેશે કેપ્ટન

હાર્દિક પંડ્યાની પંજાબ કિંગ્સમાં એન્ટ્રી, શ્રેયસ અય્યર જ રહેશે કેપ્ટન

આઈપીએલ 2027 પહેલાં મોટો ટ્રેડ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાયા છે, જ્યારે પંજાબના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં આવ્યા છે. હાર્દિકની પંજાબમાં એન્ટ્રી થતાં કેપ્ટનશીપને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હાર્દિક 2022થી આઈપીએલમાં કેપ્ટનશીપ કરે છે. તેણે 2 વર્ષ ગુજરાત ટાઈટન્સની અને ત્યારબાદ 3 વર્ષ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળી છે. હવે પંજાબ કિંગ્સે આગામી સીઝનના કેપ્ટનનું નામ જાહેર કર્યું છે.

ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે પંજાબની જર્સીમાં જોવા મળે છે. સાથે જ કેપ્ટનનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, "મારો કેપ્ટન - શ્રેયસ. મારો કોચ - રિકી. મારી ટીમ - આખું પંજાબ. હું તમારી પાછળ ઊભો છું."

આ પોસ્ટ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રેયસ અય્યર જ પંજાબ કિંગ્સના કેપ્ટન રહેશે. 2022 પછી 2027ની સીઝન પહેલી એવી આઈપીએલ હશે જ્યાં હાર્દિક પંડ્યા ખેલાડી તરીકે રમશે. અગાઉ જ્યારે હાર્દિક ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો હતો, ત્યારે ત્યાં તેની કેપ્ટન તરીકે એન્ટ્રી થઈ હતી.

શ્રેયસ અય્યર 2025થી પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. તેને 2025 આઈપીએલ માગે ઓક્શનમાં ખરીદવામાં આવ્યો હતો અને તે જ સમયે કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. તે 2025 અને 2026 એમ બે સીઝન ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. તેની કેપ્ટનશીપમાં પંજાબે 2025માં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું અને ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી.

શ્રેયસ અય્યરની આઈપીએલ કરિયર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધી 147 મેચ રમી છે. આ મેચોની 145 ઈનિંગ્સમાં બેટિંગ કરતાં તેણે 35.83ની એવરેજ અને 136.72ના સ્ટ્રાઈક રેટથી 4229 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 32 અડધી સદી નીકળી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 101* રનનો રહ્યો છે.