ગુજરાતી ફિલ્મ 'મિત્રતા'ને દર્શકોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ જોઈ છે અને તેણે તેની પ્રશંસા કરી છે.
અભિનેતા અને ડિજિટલ ક્રિએટર વિરાજ ઘેલાણીએ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની એક વોઇસ ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં હાર્દિક પંડ્યા ગુજરાતીમાં વાત કરતાં કહે છે, 'ડાર્લિંગ, તારી મૂવી જોઈ. બહુ મસ્ત બનાવી છે તમે લોકોએ. બહુ ક્યૂટ, બહુ સરસ. વેરી વેલડન ઓન યુ, વેરી વેલડન ટુ એવરીવન. બહુ મજા આવી. હસાવ્યા, રડાવ્યા, લોટ્સ ઑફ લવ...'
ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્દિક પંડ્યા ઇન્જરીના કારણે ટીમમાંથી બહાર છે અને ડોક્ટર્સની સલાહ મુજબ આરામ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 'મિત્રતાઃ ફ્રેન્ડશિપની લવ સ્ટોરી' ફિલ્મ જોઈ હતી.
'મિત્રતા' 25 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ત્રણ ગાઢ મિત્રો મોક્ષ, વેદ અને અભિનની આસપાસ ફરે છે. ફિલ્મમાં કોલેજકાળની મસ્તીથી લઈને જીવનમાં આવતા ચઢાવ-ઉતાર સુધી મિત્રો કઈ હદે સાથ આપે છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી (અભિન), દીપ વૈદ્ય (મોક્ષ), વિશાલ પારેખ (વેદ) અને વિશ્વા જોશી (જીયા) મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.
આ ફિલ્મનું નિર્દેશન ઓનીલ કાર્ણિકે કર્યું છે. પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને જશ વોરાએ તેને પ્રોડ્યુસ કરી છે, જ્યારે ભાવિક પંડ્યા રાઇટર છે. ફિલ્મમાં સંગીત પાર્થિવ કે. શાહે આપ્યું છે. ફિલ્મનું 'મિત્રતા એન્થમ' ગીત ઘણું લોકપ્રિય થયું છે. આ ગીત અમિત ત્રિવેદીએ ગાયું છે, જ્યારે ગીતકાર જૉય મહેતા અને દિવ્યેશ મુંગરા છે.