સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા A વનડે સિરીઝમાંથી બહાર, સૂર્યાંશ શેડગેને ટીમમાં સ્થાન

હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા A વનડે સિરીઝમાંથી બહાર, સૂર્યાંશ શેડગેને ટીમમાં સ્થાન

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ સિરીઝ 6 થી 11 ઓક્ટોબર દરમિયાન પુડુચેરીમાં રમાશે.

મીડિયા અહેવાલો અનુસાર, હાર્દિકની જગ્યાએ ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યાંશે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તેઓ ટીમ સાથે જોડાઈ ગયા છે.

હાર્દિકે છેલ્લે IPL 2026માં સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું હતું. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં રમી હતી.

સૂર્યાંશ શેડગેએ જૂન 2026માં આયર્લેન્ડ સામેની T-20 સિરીઝમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 3 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઇન્ડિયા A ટીમમાં પસંદગી થવાને કારણે હવે તે મુંબઈ માટે રણજી ટ્રોફીની ઓપનર મેચમાં રમી શકશે નહીં. મુંબઈએ 11 ઓક્ટોબરથી વાનખેડે સ્ટેડિયમમાં ચંદીગઢ સામે પ્રથમ મેચ રમવાની છે.

હાર્દિક ઉપરાંત નમન ધીર પણ ઓસ્ટ્રેલિયા A સામેની 3 અનૌપચારિક વનડે મેચમાંથી બહાર થયો છે. તેને 1 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડિઝ સામેની 5 મેચની T-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નમનને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તક મળી છે. સુંદરને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝની તૈયારી માટે T-20 ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. તેઓ તમિલનાડુ માટે રણજી ટ્રોફી રમશે.

ઓસ્ટ્રેલિયા A સામેની વનડે સિરીઝમાં ઋતુરાજ ગાયકવાડ ઇન્ડિયા Aની કેપ્ટનશીપ કરશે, જ્યારે દેવદત્ત પડિક્કલ વાઇસ કેપ્ટન રહેશે. ટીમમાં સાઈ સુદર્શન, રજત પાટિદાર, પ્રિયાંશ આર્ય, પ્રિસિમરન સિંહ, વિપ્રજ નિગમ અને યશ ઠાકુર સહિત અનેક ખેલાડીઓ સામેલ છે.

ઇન્ડિયા A ટીમ: ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), પ્રિયાંશ આર્ય, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ (વાઇસ કેપ્ટન), રજત પાટીદાર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિપ્રજ નિગમ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, પ્રિસિમરન સિંહ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, યશ ઠાકુર, સૂર્યાંશ શેડગે.