ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે અટકળો વધી છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) હાર્દિકને ટીમમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે અને એમએસ ધોની પોતે તેને મનાવી શકે છે. જોકે, ભારતના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિન માને છે કે હાર્દિકનું ચેન્નાઈ જવું વ્યવહારુ રીતે મુશ્કેલ છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતાં અશ્વિને કહ્યું કે હાર્દિકનો સમાવેશ CSK માટે ફાયદાકારક હોઈ શકે, પણ આ ટ્રેડ થવી ઘણી મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે, “મને મળેલી માહિતી પ્રમાણે, હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની રેસમાં રાજસ્થાન રોયલ્સનું નામ સૌથી આગળ છે.”
IPL ગવર્નિંગ કાઉન્સિલની રિટેન્શન ડેડલાઇન 15 નવેમ્બર છે, જેમાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જો હાર્દિક અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અલગ થવાનું થશે તો રાજસ્થાન રોયલ્સ અને CSK સહિત ઘણી ફ્રેન્ચાઇઝી વચ્ચે ટ્રેડ માટે સ્પર્ધા જોવા મળી શકે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ મોટા ફેરફારોના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ફ્રેન્ચાઇઝીએ મુખ્ય કોચ મહેલા જયવર્ધને સાથે બે સીઝન બાદ કાર્યકાળ સમાપ્ત કર્યો છે. જયવર્ધને 2017 થી 2022 દરમિયાન ટીમને 3 ખિતાબ જીતાડ્યા હતા અને 2025 માં ફરી જોડાયા હતા. તેમના બીજા કાર્યકાળમાં ટીમ 2025 માં ક્વોલિફાયર-2 માં બહાર થઈ ચોથા ક્રમે રહી હતી, જ્યારે 2026 ની સીઝન નિરાશાજનક રહી અને ટીમ પોઇન્ટ ટેબલ પર 9મા ક્રમે સરકી ગઈ હતી.