સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્દિક પંડ્યાનો જન્મદિવસ: પિતાનો ધંધો બંધ થયો, શાળા છોડવી પડી, પણ હાર ન માની

હાર્દિક પંડ્યાનો જન્મદિવસ: પિતાનો ધંધો બંધ થયો, શાળા છોડવી પડી, પણ હાર ન માની

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ આજે 33મું વર્ષ પૂરું કર્યું. હાલમાં ઈજાને કારણે તે કેટલાક મહિનાથી મેદાનથી દૂર છે. તેમ છતાં ટીમમાં તેમનું સ્થાન મહત્ત્વનું ગણાય છે. જન્મદિવસ નિમિત્તે તેમની શરૂઆતની મુશ્કેલીઓ, આજની આવક અને જીવનશૈલી પર એક નજર.

હાર્દિકનો જન્મ સુરતમાં થયો હતો. તેમના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા હતા. ધંધામાં ભારે નુકસાન થતાં પરિવારે વડોદરા ખાતે સ્થળાંતર કરવું પડ્યું. ઘરની આર્થિક સ્થિતિ એટલી કફોડી બની કે હાર્દિકને શાળા છોડવી પડી.

તે સમયે હાર્દિક પાસે પોતાની ક્રિકેટ કીટ પણ નહોતી. તે બીજા પાસેથી સાધનો ઉધાર લેતો. થોડા પૈસા મળે તો દૂરના વિસ્તારોમાં મેચ રમવા જતો. ઘણા દિવસો તે મેગી બનાવીને જ પસાર કરતો.

છતાં તેમણે ક્રિકેટનું સ્વપ્ન છોડ્યું નહીં. પહેલા સ્થાનિક ટુર્નામેન્ટમાં, પછી રાજ્યની ટીમમાં અને ત્યાર બાદ 2015માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેમની પસંદગી થઈ. આ કરારથી તેમની કારકિર્દી બદલાઈ. IPLમાં રમ્યાના થોડા જ મહિનામાં તેમને ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું.

IPL અને ભારતીય ટીમમાં સારા પ્રદર્શન બાદ તેમને જાહેરાતો મળવા લાગી. આજે તે બોટ, રિલાયન્સ અને એનર્જી ડ્રિંક્સ જેવી અનેક મોટી બ્રાન્ડ સાથે જોડાયેલા છે. તેમની આવકનો મુખ્ય સ્રોત IPL અને BCCIના કેન્દ્રીય કરારમાંથી મળતો પગાર છે.

અંદાજ મુજબ હાર્દિકની કુલ સંપત્તિ ₹95 કરોડથી ₹120 કરોડની વચ્ચે છે. અગાઉ જે વ્યક્તિ નાની-નાની વસ્તુઓ માટે તરસતી હતી, તે આજે પોતાના ખર્ચે વિદેશ પ્રવાસે રસોઈયાને સાથે લઈ જાય છે, જેથી ખાનપાન અને ફિટનેસ જળવાઈ રહે. કપડાંની જેમ તે કાર પણ બદલતા રહે છે અને કાંડા પર કરોડોની ઘડિયાળો પહેરે છે.