સત્ય. સાહસ. સંકલ્પ.

હાર્દિક પંડ્યા-અર્શદીપ સિંહની અદલાબદલીને BCCIની મંજૂરી, પગારમાં ફેરફાર નહીં

હાર્દિક પંડ્યા-અર્શદીપ સિંહની અદલાબદલીને BCCIની મંજૂરી, પગારમાં ફેરફાર નહીં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ વચ્ચેની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે હવે હાર્દિક પંજાબ કિંગ્સ તરફથી અને અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે.

આ અદલાબદલીમાં બંને ખેલાડીઓની IPL ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સમાં મળતો 16.35 કરોડ રૂપિયાનો પગાર પંજાબ કિંગ્સમાં પણ મળશે. જ્યારે અર્શદીપને મુંબઈ ઇન્ડિયન્સમાં 18 કરોડ રૂપિયા મળશે.

હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ માટે 10 સીઝન રમી છે. તેમણે 2015થી 2021 સુધી સતત સાત સીઝન અને 2024થી 2026 સુધી ત્રણ સીઝન મુંબઈ માટે રમી છે. આ દરમિયાન 2022 અને 2023માં તે ગુજરાત ટાઇટન્સનો ભાગ રહ્યો હતો. IPL 2026 બાદ તે પોતે જ મુંબઈની ટીમ છોડવા માંગતો હતો.

હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સનો રેકોર્ડ નબળો રહ્યો છે. ત્રણ વર્ષમાં ટ્રેડ દ્વારા તેની ટીમ બીજી વખત બદલાશે. IPL 2024 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે તેમને ગુજરાત ટાઇટન્સ પાસેથી ઓલ-કૅશ ડીલમાં ટીમમાં સામેલ કર્યા હતા. ત્યારબાદ તેમને રોહિત શર્માની જગ્યાએ કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા. રોહિતની કપ્તાનીમાં મુંબઈએ પાંચ IPL ખિતાબ જીત્યા હતા.

હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સ 2024માં છેલ્લા સ્થાને રહી હતી. 2025માં ટીમ પ્લેઓફ સુધી પહોંચી, પરંતુ 2026માં નવમા સ્થાને રહી. તેનાથી વિપરીત ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન તરીકે તેમનો રેકોર્ડ સારો રહ્યો હતો. ગુજરાતે તેમની કેપ્ટનશિપમાં 31 મેચોમાં 22 જીત અને 9 હાર નોંધાવી હતી.

અર્શદીપ સિંહે 2019માં પંજાબ કિંગ્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે આ જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. તેણે 96 મેચમાં 111 વિકેટ ઝડપી છે અને આ દરમિયાન તેની ઇકોનોમી 9.18 રહી છે. પંજાબ પાસે ભારતીય ફાસ્ટ બોલરોમાં યશ ઠાકુર અને વિજયકુમાર વૈશાક પણ છે. આ ટ્રેડ સાથે અર્શદીપ પહેલીવાર પંજાબ સિવાયની કોઈ બીજી ટીમ તરફથી રમશે.