IPL 2027ની નવી સિઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં મોટી ચર્ચા શરૂ થઈ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ (PBKS)માં જોડાઈ શકે છે, જ્યારે પંજાબના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા મળી શકે છે. આ ટ્રેડ ડીલ IPLના ઇતિહાસની સૌથી મોટી ટ્રેડમાંની એક ગણાઈ રહી છે.
રિપોર્ટ્સ અને દાવાઓ મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ બંને ફ્રેન્ચાઈઝીએ આ ટ્રેડ ડીલને લઈને તમામ કાગળિયા અને દસ્તાવેજો તૈયાર કરીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને સોંપી દીધા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટ્રેડ માટે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ બંને ખેલાડીઓની સંમતિ પણ મળી ગઈ છે. હવે માત્ર BCCIની અંતિમ મંજૂરી અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અર્શદીપની સાથે વિકેટકીપર-બેટ્સમેન વિષ્ણુ વિનોદ પણ મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો બની શકે છે.
નોંધનીય છે કે, ગુજરાત ટાઇટન્સ (GT)ને પોતાની કેપ્ટન્સીમાં ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનાવનાર હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો ત્યારે પરિસ્થિતિ તેના પક્ષમાં રહી ન હતી. મુંબઈના ડ્રેસિંગ રૂમમાં જૂથબંધીના અહેવાલો અને મેદાન પર ચાહકોની નારાજગી ચર્ચામાં રહી હતી. ટીમનું પ્રદર્શન પણ સતત કથળી રહ્યું હતું, જેના પછી મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે ટીમને ફરીથી ગોઠવવાનું મન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.
અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) હાર્દિકને ખરીદવાની રેસમાં સૌથી આગળ હોવાનું મનાતું હતું, પરંતુ પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સે મુંબઈ સાથે આ ડીલ સાઇન કરી લીધી હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ડીલ બંને ટીમો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અર્શદીપ સિંહ જેવા ઘાતક ફાસ્ટ બોલર અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટને પોતાની ટીમમાં સામેલ કરીને મુંબઈ પોતાનું બોલિંગ આક્રમણ મજબૂત કરવા માંગે છે, જ્યારે પંજાબ કિંગ્સને હાર્દિકના રૂપમાં એક મેચ-વિનર ઓલરાઉન્ડર અને અનુભવી કેપ્ટન મળી શકે છે.
મુંબઈની ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ખેલાડીઓ વચ્ચે અણબનાવના અહેવાલો પણ સામે આવતા રહ્યા હતા. ખાસ કરીને રોહિત શર્મા પાસેથી કેપ્ટન્સી છીનવીને હાર્દિકને આપ્યા બાદ બંને વચ્ચે મનદુઃખના સમાચારોએ ઘણી વાર જોર પકડ્યું હતું. હવે હાર્દિક પંડ્યાના પંજાબ જવાની ચર્ચાથી મુંબઈ ઇન્ડિયન્સમાં લાંબા સમયથી ચાલી રહેલા રોહિત-હાર્દિક ડ્રામાનો પણ અંત આવતો જોવા મળી રહ્યો છે. ફેન્સ હવે BCCIની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.