સત્ય. સાહસ. સંકલ્પ.

હરદીપ પુરી અને જેફ્રી એપ્સટીનની તસવીરો વાયરલ, વિપક્ષે ખુલાસો માંગ્યો

હરદીપ પુરી અને જેફ્રી એપ્સટીનની તસવીરો વાયરલ, વિપક્ષે ખુલાસો માંગ્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીની બદનામ યૌન અપરાધી જેફ્રી એપ્સટીન સાથેની કથિત તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ, ટીએમસી, એનસીપી અને શિવસેના (યુબીટી) સહિતના વિપક્ષી નેતાઓએ આ તસવીરો શેર કરીને કેન્દ્ર સરકાર અને મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે.

વિપક્ષી નેતાઓએ હરદીપ સિંહ પુરીના અગાઉના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ એપ્સટીનને ક્યારેય એકલા મળ્યા નથી અને માત્ર પ્રતિનિધિમંડળના ભાગ તરીકે જ મળ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પૂછ્યું છે કે, 'શું હરદીપ પુરીએ એવું નહોતું કહ્યું કે તેઓ એપ્સટીનને ક્યારેય રૂબરૂ એકલા મળ્યા નથી? મોદીજીને કેવા લોકો પસંદ છે અને તેઓ પોતાની આસપાસ કેવા લોકોને રાખે છે?'

ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ હરદીપ પુરીનો જૂનો વીડિયો શેર કરીને કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું છે કે, 'એપ્સટીન પાજીએ આપણને કહ્યું હતું કે તેઓ માત્ર ડેલિગેશનના ભાગ રૂપે 3 થી 4 વખત જ મળ્યા હતા. પાજી, શું બાકીના પ્રતિનિધિઓ આ 2 તસવીરોમાં ટેબલ નીચે સંતાઈ ગયા હતા?'

એનસીપીના પ્રવક્તા અનીશ ગવાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આ તસવીરો અત્યંત ગંભીર છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબ આપવો જોઈએ કે તેઓ રાજદૂત તરીકે પણ જેફ્રી એપ્સટીનને કેમ મળી રહ્યા હતા. તેમણે એમ પણ ઉમેર્યું કે, ભારત સરકાર ભલે આ મુલાકાતને રાજદ્વારી જરૂરિયાત ગણાવે, પરંતુ બંને વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે તમામ વિગતો દેશ સમક્ષ સાર્વજનિક થવી જોઈએ.

શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે પણ તસવીર શેર કરીને પ્રહાર કર્યા છે. તેમણે પૂછ્યું છે કે, 'મોદીજી, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી જેફ્રી એપ્સટીનને એકલા કેમ મળી રહ્યા છે? તેઓ આ બેઠકમાં કોનો મેસેજ લઈને ગયા હતા? આ તો માત્ર શરૂઆત છે, આગળ જુઓ શું થાય છે!'

આ વિવાદ વચ્ચે હરદીપ સિંહ પુરીની ફેબ્રુઆરી મહિનામાં આપેલી સ્પષ્ટતા સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ જેફ્રી એપ્સટીનને પ્રોફેશનલ સ્તરે 3 કે વધુમાં વધુ 4 વખત મળ્યા હતા. આ મુલાકાત 'ઈન્ટરનેશનલ પીસ ઈન્સ્ટિટ્યૂટ' (IPI) ના પ્રોજેક્ટ 'ઈન્ડિપેન્ડન્ટ કમિશન ઓન મલ્ટિલેટરલિઝમ' સાથે જોડાયેલા પ્રતિનિધિમંડળના ભાગ તરીકે થઈ હતી. તેમણે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત પદેથી રાજીનામું આપ્યા પછી અને વર્ષ 2017માં કેન્દ્રીય મંત્રી બન્યા તે પહેલાં આ મુલાકાતો થઈ હતી, જેને એપ્સટીન પર લાગેલા ગુનાહિત આરોપો સાથે કોઈ લેવાદેવા નહોતી.